સુરત અને દક્ષિણ ભારત વચ્ચે સ્પેશિયલ ટ્રેન હવે કાયમી
સુરતથી મંગલૂરુ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી ધોરણે દોડશે
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક વચ્ચે મુસાફરી વધુ સરળ
સુરત અને દક્ષિણ ભારત વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા હોય તેમ પશ્ચિમ રેલવે દ્વારા સુરતથી મંગલૂરુ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી ધોરણે નિયમિત ટ્રેન તરીકે શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક વચ્ચે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે.
પશ્ચિમ રેલવે દ્વારા સુરત-મંગલૂરુ સ્પેશિયલ ટ્રેનને કાયમી સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે આ ટ્રેન 19057/19058 સુરત-મંગલૂરુ-સુરત દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે નિયમિત રીતે દોડશે. સુરત રેલવે સ્ટેશન પર યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં સાંસદ ગોવિંદ ધોળકિયાએ ધારાસભ્ય કાંતી બલરની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર પંકજ કુમાર સિંહ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેનના નિયમિત સંચાલનથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના મુસાફરોને ગોવા અને કર્ણાટકના મંગલૂરુ સુધી સીધી અને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે. ખાસ કરીને વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને પ્રવાસીઓ માટે આ સેવા અત્યંત લાભદાયી સાબિત થશે. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, મુસાફરોની વધતી માંગ અને સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ટ્રેનને કાયમી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હજારો મુસાફરોને સીધો ફાયદો મળશે.
