ભાવનગરનાં વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો આતંક
માલધારીઓ પર પોલીસ ઇન્સપેક્ટર ભલગરીયા ઉકળ્યા
ચોર આવે ત્યારે ફોન કરજો’ કહી કાઢી મૂક્યા!
ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો આતંક રજૂઆત કરવા ગયેલા માલધારીઓ પર પોલીસ ઇન્સપેક્ટર ભલગરીયા ઉકળ્યા, ‘ચોર આવે ત્યારે ફોન કરજો’ કહી કાઢી મૂક્યા!
ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પશુ ચોરી કરતી ગેંગે ભારે આતંક મચાવ્યો છે. તાલુકાના ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ૧૫ દિવસની અંદર ૫૦થી વધુ કિંમતી પશુઓની ચોરી થતાં પશુપાલકો અને માલધારીઓમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. ભાલ પંથકના ગામડાઓને નિશાન બનાવી તસ્કર ગેંગ લાખોની કિંમતના પશુઓ હંકારી ગઈ છે. આજે મોટી સંખ્યામાં ગામ લોકો અને માલધારીઓ એકઠા થઈને મામલતદાર તેમજ પોલીસ સ્ટેશને લેખિત આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. ન્યાયની આશાએ પી.આઈ. ભલગરીયા પાસે પહોંચેલા ૭૦થી વધુ લોકોને સાંભળવાના બદલે બહાર બેસાડી રાખવામાં આવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે
માલધારીઓના જણાવ્યા અનુસાર, પી.આઈએ બેજવાબદાર વલણ દાખવતા કહ્યું કે, “પોલીસ કાર્યવાહી કરશે, પણ જ્યારે ચોર ચોરી કરવા આવે ત્યારે અમને જાણ કરજો!” પોલીસના આવા બિનજવાબદાર નિવેદનથી લોકરોષ ભભૂક્યો છે. રોષે ભરાયેલા માલધારીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, “પોલીસને માત્ર દારૂ અને જુગારના કેસોમાં રસ છે, ગરીબ માલધારીઓના પશુ ચોર પકડવામાં કોઈ રસ નથી. જો ટૂંક સમયમાં પશુ ચોરી કરનારી ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે, તો સમગ્ર ભાલ પંથકના ગામ લોકો અને માલધારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે
