છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તૈય્યારી
ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી મેળવવા માટે દાવેદારોનો રાફડો
પ્રથમવાર રચાયેલી બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે પણ દાવેદારો
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે.
બોડેલી નગરના લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે પાર્ટીના નિરીક્ષકો દ્વારા દાવેદારોનો સેન્સ લેવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા બે દિવસ સુધી ચાલવાની છે. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો, સાત તાલુકા પંચાયતોની અંદાજે 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાલુકાવાર બેઠકોની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26, સંખેડા તાલુકાની 18, કવાટ તાલુકાની 26, નસવાડી તાલુકાની 22, પાવી જેતપુરની 18, કદવાલ તાલુકાની 16 અને બોડેલી તાલુકાની 24 બેઠકોનો સમાવેશ થાય છે. સાથે જ જિલ્લા પંચાયતની 32 બેઠકો અને પ્રથમવાર રચાયેલી બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે પણ દાવેદારો ઉમેદવારી નોંધાવવા ઉમટી પડ્યા છે.
જ્યારે મહત્વની વસ્તુ તો એ જોવા મળી કે જ્યારે એક ભારતીય જનતા પાર્ટીનો સક્રિય વિકલાંગ કાર્યકર્તા પ્રમોદભાઈ તડવી જિલ્લા પંચાયતની પરવેટા સીટ ઉપરથી ઉમેદવારી કરવા પહોંચ્યો હતો ત્યારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી નાનામાં નાનો કાર્યકર્તા પણ દાવેદારી નોંધાવા પહોંચી શકે છે. આ સમગ્ર સેન્સ પ્રક્રિયા ભાજપના પ્રદેશ નિરીક્ષકો મયુરિકાબેન જાદવ, ધારાસભ્ય સી.જે. ચાવડા અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની હાજરીમાં ચાલી રહી છે…..
