સુરત કલેકટરાલય ખાતે પ્રિ-મોનસુન પ્રિપેર્ડનેશ
આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓના આયોજન અંગે બેઠક
નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિયુકત
સુરત કલેકટરાલય ખાતે આગામી ચોમાસાની ઋતુ ધ્યાને લઈને પ્રિ-મોનસુન પ્રિપેર્ડનેશ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓના આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સુરત શહેરના છ તાલુકાઓ તથા જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિયુકત કરાયા હતાં.
આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઈને નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્રીપર્ડનેશ અને આપત્તિ વ્યવસ્થાપનની મીટીંગ કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આગામી ચોમાસું સીઝનમાં સુરત શહેર-જીલ્લામાં ભારે વરસાદ, પુર, વોટર લોગીંગ અને વાવાઝોડાને કારણે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેની તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરવા અને તમામ વિભાગ દ્વારા કરવાની થતી પ્રિ-મોનસુન કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાને લઈને સુરત શહેરના છ તાલુકાઓ તથા જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેકટર તથા તેમની સમકક્ષ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુકત કરીને કામગીરીની સોપણી કરવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ જિલ્લામાં વરસાદી પાણીને અવરોધ રુપ કોઈ પણ દબાણો હોય તો તત્કાલ તોડી પાડવાની સુચના આપી હતી.
ખાસ કરીને નવા બનેલા હાઈવેની આસપાસના પાણી નિકાલ માટેના કન્વર્ટર ચેક કરીને સાફ સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો. ચોમાસા દરમિયાન તમામ લાઈન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, શહેર અને જીલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના, પુર, ખાડીપુરના પ્રશ્નો ઉદ્દભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન જીલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ/કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ચોમાસાની સીઝનમાં કોઈ દુર્ધટના ન સર્જાય તે માટે અગમચેતીના પગલાઓ ભરવા તમામ વિભાગોને સુચના આપી હતી.
