48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
15 થી 17 એપ્રિલે તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની સંભાવના
ગુજરાત રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો હાઈ થતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. છેલ્લા 10 દિવસથી મોટાભાગનાં શહેરોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે આજથી બે ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 15 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની સંભાવના છે. તેમાં પણ કેટલાક સ્થળોએ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં હીટવેવને પગલે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. 16 અને 17 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હીટવેવને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બે ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી પણ કરવામાં આવી છે, જો કે, આ રાહત એક બે દિવસ જ રહેશે ત્યારબાદ તાપમાન ફરી 2 થી 3 ડિગ્રી ઊંચકાવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ડીસા, અમદાવાદ, અમરેલી, વડોદરા અને ભાવનગરમાં આજે પણ 40 ડિગ્રી આસપાસ ગરમી રહેવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, તાપમાન ઘટાડાનું કારણ બદલાયેલા પવનની દિશા છે. પહેલાં ઉત્તર પશ્ચિમના પવનો હતો. જે હવે દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી ફૂંકાઈ રહ્યા છે, હવામાન વિભાગે 10 એપ્રિલે પાંચ જિલ્લામાં હીટવેવની આગાહી આપી હતી. રાજ્યમાં આજે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ રહ્યું હતું. 8 શહેરોમાં આજે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહશે. છેલ્લા 24 કલાક દરમિયાન કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી