જરૂર કરતાં વધુ વિટામિન D પણ શરીર માટે જીવલેણ! હાર્ટ અને કિડનીની થઈ શકે છે બીમારી
વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ જો શરીરમાં તેની ઉણપ થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે. તેની ઉણપના કારણે તમે વારંવાર બીમાર પડી શકો છો, હાડકામાં દુખાવો થઈ શકે છે, અને ડિપ્રેશન તથા મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે શરીરમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે લોકો સપ્લિમેન્ટ્સ લેવાનું શરુ કરી દે છે. જોકે, જરૂર કરતાં વધારે વિટામિન ડીનું સેવન કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં જાણીએ કે વધુ પડતું વિટામિન ડી લેવું કેટલું નુકસાનકારક હોઈ શકે છે.
શરીરમાં વિટામિન Dની માત્રા વધી જાય તો શું થાય? જો શરીરમાં વિટામિન Dની માત્રા વધી જાય છે તો લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે શરુઆતમાં ઉલ્ટી, ઊબકા, કબજિયાત, પેટમાં દુખાવો અને ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. જો આ સમસ્યા ગંભીર બની જાય તો વ્યક્તિ બેભાન થઈ શકે છે, કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે છે, હાડકામાં દુખાવો, માંસપેશીઓમાં નબળાઈ અને હૃદયના ધબકારાને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. સૌથી વધુ અસર કોના પર થાય છે? શરીરમાં વિટામિન Dનું પ્રમાણ વધુ હોય તો તેની સૌથી પહેલી અને સૌથી વધુ અસર કિડની પર થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) અનુસાર, તેનાથી કિડનીમાં પથરી, કેલ્શિયમ જમા થવું (નેફ્રોકેલ્સિનોસિસ) અને અચાનક કિડની ફેલ થવાની સમસ્યા પણ થઈ શકે છે. કિડની પછી તેની સૌથી વધુ અસર હૃદય પર થાય છે અને તેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે.
વિટામિન D સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, પરંતુ તેને હંમેશા યોગ્ય માત્રામાં અને ડૉક્ટરની સલાહ મુજબ જ લેવું જોઈએ. જે લોકોમાં તેની ઉણપનું જોખમ હોય, તેમણે સમયાંતરે બ્લડ ટેસ્ટ કરાવતાં રહેવું જોઈએ, જેથી શરીરમાં તેની ઉણપ પણ ન થાય.
