ગુજરાતમાં તા.7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા – 4,000 થી વધુ એસટી બસ દોડશે

Spread the love

આગામી તા.7 મેના રોજ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા બાદ ઘરે પરત ફરી શકે તે માટે ગુજરાત એસટી નિગમ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા માટે 4,000 થી વધુ બસો શહેરના તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને કેન્દ્રના શહેર સુધી પહોંચાડી શકે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. હાલ શાળાઓમાં વેકેશન હોવાથી બસમાં મુસાફરોની અવરજવર વધુ હોય છે. જેથી ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવે જેથી પરીક્ષાના દિવસે કોઈ તકલીફ ન પડે. એસટી વિભાગ દ્રારા 60 ટકા જેટલી બસો પરીક્ષા માટે ફાળવવામાં આવશે.
ગુજરાત ST નિગમ દ્રારા જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. તેવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગત વખતે 3500 જેટલી બસો મૂકવામાં આવી હતી પરંતુ આ વખતે 8.50 લાખ ઉમેદવારો નોંધાયો છે. જેથી અંદાજે 2 લાખ જેટલા ઉમેદવારો એસટી બસનો ઉપયોગ કરશે તેવી શક્યતાઓના પગલે આ વખતે 4,500 જેટલી બસો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસ મળી રહે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
તલાટી કમ મંત્રીની પરીક્ષા દરમિયાન શાળાઓમાં વેકેશનનો સમય પણ છે. જેથી એસટી બસમાં મુસાફરોની અવરજવર વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખી બસો મૂકવામાં આવનાર છે. ગુજરાત એસટી નિગમ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ અમદાવાદ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે.
ગત પરીક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો પાસેથી અગાઉથી કન્ફર્મેશન લઇ તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવેશે જેથી સાધનો અને સમય બિનજરૂરી રીતે વેડફાય નહી તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી કન્ફર્મેશન લેવાનો મંડળે નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *