લાલગેટમાં કિશોરી સાથે છેડતી કરનાર પરિણીત ઝડપાયો
શાહપોરમાં કિશોરીને પ્રેમ માટે દબાણ, ધમકી આપનાર ધરપકડ
પોસ્કો હેઠળ કાર્યવાહી 17 વર્ષની કિશોરીને હેરાન કરતો આરોપી કાબૂમાં
શાહપોર વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને છેલ્લા કેટલાક સમયથી 30 વર્ષના પરિણીત ગેરેજવાળો પીછો કરી પ્રેમ સબંધ બાંધવા માટે દબાણ કરીને હેરાન કરતો હોવાની ફરિયાદ લાલગેટ પોલીસમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શાહપોર તાંતવાડા વિસ્તારમાં રહેતો પરવેઝ ઉર્ફે મોહમદ મોઇન મોઇન આરીફ ગેરેજ ચલાવે છે અને પરિણીત છે. અને આ વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરી પર પરવેઝે છેલ્લા બે વર્ષથી નજર બગાડી હતી. કિશોરી શાળા ટ્યુશને જાય ત્યારે પરવેઝ તેનો પીછો કરીને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરવેઝનો ત્રાસ વધી જતા અગાઉ કિશોરીએ તેના પિતાને જાણ કરી હતી. જેથી તેમણે પરવેઝને ઠપકો આપ્યો હતો. બાદમાં અગ્રણીઓ વચ્ચે પડતા સમાધાન થયું હતું. જોકે, થોડા દિવસ પહેલા સાંજે ટ્યુશન જતી હતી ત્યારે કિશોરીને રસ્તા પર રોકી પરવેઝે કહ્યું કે, તું મને ખુબ જ સારી લાગે છે, હું તને પ્રેમ કરું છું, તારે મને રોજ ફોન કરવાનો, રોજ મળવા આવવાનું અને મારી સાથે લગ્ન કરવા પડશે. કિશોરીએ ઇન્કાર કરતા પરવેઝે ગળા પર ચપ્પા જેવું હથિયાર મૂકીને ધમકી આપી હતી કે, જો તું મારી ન થશે તો તારા ફોટા સોશિયલ મિડિયા પર અપલોડ કરી તને બદનામ કરી દઈશ. ત્યારબાદ આરોપીએ કિશોરીને જકડી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આટલેથી નહીં અટકીને તા.5મી ઓક્ટોબરના રોજ કિશોરી એક ધાર્મિક કાર્યક્રમમાં ગઇ હતી ત્યારે પરવેઝ પણ ત્યાં આવ્યો હતો અને કિશોરીને બિભત્સ ઇશારા કરતો હતો. આ અંગે કિશોરીએ પિતાને જાણ કરતા પિતાએ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
