માંડવી પોલીસે ૧૭ ભેંસો ભરેલી ટ્રક પકડી

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસે ૧૭ ભેંસો ભરેલી ટ્રક પકડી
3 આરોપીઓ સામે ગુનો દાખલ કરી ૯ લાખનો મુદ્દામાલ જપ્ત

માંડવી પોલીસે અંબાજી નાકા પાસે વોચ ગોઠવીને એક ટાટા ટ્રકમાંથી અત્યંત દયનીય હાલતમાં બાંધેલી ૧૭ ભેંસોને મુક્ત કરાવી છે અને કુલ ૯,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનનાપોલીસ કોન્સ્ટેબલ નવનિત વિરસીંગ અને તેમની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટાટા ૨૫૧૮ ટ્રક ( નંબર : GJ-16-Z-9749 ) માં પશુઓને ખીચોખીચ ભરીને ઝંખવાવથી માંડવી થઈને મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ૧૪ મે ૨૦૨૬ ના રોજ અંબાજી નાકા પાસે વોચ ગોઠવી હતી. સાંજના આશરે ૫ વાગ્યે શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને લાકડીના ઇશારે રોકી હતી. પોલીસે ટ્રકની પાછળના ભાગે બાંધેલી તાડપત્રી ખોલાવીને તપાસ કરતા અંદરનું દ્રશ્ય ચોંકાવનારૂં હતું. ટ્રકમાં કુલ ૧૭ભેંસોને સાવ ટૂંકા દોરડા વડે એવી રીતે બાંધી રાખવામાં આવી હતી કે તેઓ હલનચલન પણ નહોતી કરી શકતી. વાહનમાં પશુઓ માટે ઘાસચારો, પાણી કે પ્રાથમિક સારવારની કોઈ જ સુવિધા નહોતી, તેમજ હવા-ઉજાસની પણ પૂરતી વ્યવસ્થા નહોતી. આ હેરાફેરી માટે ડ્રાઇવર પાસે કોઈ પાસ, પરમિટ કે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ૩,૪૦,૦૦૦ રૂપિયાની કિંમતની ૧૭ ભેંસો, ૫,૫૦,૦૦૦ રૂપિયાની કિંમતની ટાટા ૨૫૧૮ ટ્રક અને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળીને કુલ ૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ ભેંસોને સલીમ ગુલામ દિવાન નામના વ્યક્તિએ ભરાવી આપી હતી અને તેને મહારાષ્ટ્રના ધુલિયા બજારમાં વેચાણ અર્થે લઈ જવામાં આવી રહી હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ પૈકી ડ્રાઇવર શબ્બીર હુસેન સીરાજ મોહમદ બલોચ અને ક્લીનર ઉમાઇન જહાંગીર મુલતાનીની સ્થળ પરથી ધરપકડ કરી છે, જ્યારે પશુઓ ભરાવી આપનાર મુખ્ય સૂત્રધાર સલીમ ગુલામ દિવાનને વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપીઓ વિરૂદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ, પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ અને સેન્ટ્રલ મોટર વ્હિકલ એમેન્ડમેન્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ વડવી તથા હેડ કૉન્સ્ટેબલ મુકેશભાઈ ધુલજીભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *