સુરતના ડુમસ સાયલન્ટ ઝોનના રૂપિયા 2500 કરોડના જમીન કૌભાંડ
આખરે સાડા ચાર મહિને પહેલો આરોપી પકડાયો
સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ પુણેના ઓશો આશ્રમમાં છુપાયો હતો
સુરતના ડુમસ સાયલન્ટ ઝોનના રૂપિયા 2500 કરોડના જમીન કૌભાંડમાં આખરે સાડા ચાર મહિને પહેલો આરોપી પકડાયો છે. કૌભાંડમાં હાથ કાળા કરનારો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ પુણેના કોરેગાંવ ખાતે આવેલા ઓશો આશ્રમમાં છુપાયો હતો. આરોપીને સુરત લાવી સીઆઈડી ક્રાઈમની ટીમે તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે.
સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની હજારો કરોડની જમીન કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઈમની મોટી કાર્યવાહી સામે આવી છે. જમીન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાંચે નાસતા ફરતા સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલને ઝડપી લીધો છે. મહારાષ્ટ્રના પુણે શહેરથી અનંત પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં વધુ મોટાં ખુલાસાઓની શક્યતા સીઆઈડી અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને 135 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરવામાં આવ્યા હતા. સીઆઈડી ટીમે તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી અનંત પટેલને ઝડપી લેવાયો હતો. આરોપીને સુરત લાવી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે પોલીસ તપાસમાં આ સમગ્ર કૌભાંડ અંગે વધુ માહિતી સામે આવશે.