માંડવીમાં તબીબનું શરમજનક કારસ્તાન
વિધવાને લગ્નની લાલચે ફસાવી શરીર સંબંધ બાંધ્યા
પીડિત મહિલાએ તબીબ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સુરત જિલ્લાના માંડવી નગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક તબીબે વિધવા મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મામલે પીડિત મહિલાએ તબીબ વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી મોટા કુંભારવાડ ખાતે ” ન્યુ લાઈફ ક્લિનિક ” ચલાવતો લંપટ ડૉ. અંકિત ચૌધરી નામનો તબીબ વિવાદમાં સપડાયો છે. માંડવી તાલુકાની એક મહિલા તેના બીમાર પતિની સારવાર માટે ડૉ. અંકિત ચૌધરીના ક્લિનિક પર ગઈ હતી, ત્યારે તેમનો પ્રથમ પરિચય થયો હતો. તબીબે મહિલાને પોતાનું વિઝીટિંગ કાર્ડ પણ આપ્યું હતું. જો કે, કમનસીબે થોડા સમય બાદ મહિલાના પતિનું અવસાન થયું હતું. પતિને કઈ બીમારી હતી તે અંગે વધુ જાણકારી મેળવવા માટે મહિલાએ ડૉ. અંકિત ચૌધરીનો ફોન પર સંપર્ક કર્યો અને વાતચીત શરૂ કરી. આ વાતચીત દરમિયાન ડૉ. અંકિતે તેના મોબાઈલ ફોન પરથી મહિલાને વોટ્સએપ પર ‘Hi’ મેસેજ મોકલ્યો હતો અને ધીમે ધીમે બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. વાતચીત આગળ વધતા ડૉ. અંકિતે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને પોતાના ક્લિનિક પર બોલાવી અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. લાંબા સમય સુધી આ ચાલ્યા બાદ જ્યારે મહિલાએ ડૉ. અંકિત ચૌધરીને લગ્ન કરવાનું જણાવ્યું ત્યારે તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એટલું જ નહીં, જો મહિલા આ મામલે કોઈને જાણ કરશે કે જબરદસ્તી કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બાદ આઘાત પામેલી મહિલાએ તેના સગા સંબંધીઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ તેમની મદદથી માંડવી પોલીસ મથકમાં ડૉ. અંકિત ચૌધરી વિરુદ્ધ છેતરપિંડી, દુષ્કર્મ અને ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરી છે.