ભાવનગર લઠ્ઠાકાંડમાં પ્રથમ વખત હત્યાનો ગુનો દાખલ..
આનંદનગર ના રીક્ષા ચાલકને શખ્સે ઈરાદાપૂર્વક ઝેરી દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો
બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ
ભાવનગર ના ચકચારી લઠ્ઠાકાંડની ઘટનામાં સૌપ્રથમ વખત એક શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એક શખ્સે તેનાં મિત્ર ને ઈરાદાપૂર્વક કેમિકલ્સ યુક્ત દારૂ પીવડાવતા રીક્ષા ચાલક નું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનાને લઈને બી ડિવિઝન પોલીસે શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની છે શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક ભાવેશ વિસાણીને તેના મિત્ર મુકેશ પટેલ એ ગત શિતળા સાતમના દિવસે ઝેરી કેમિકલ યુક્ત “રોયલ સ્ટેગ” નામની બ્રાન્ડનો દારૂ પીવડાવતા ભાવેશની શારિરીક હાલત કથળી હતી અને તેને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી રીક્ષા ચાલક ભાવેશની હત્યા કરવા તેના જ મિત્ર મુકેશ પટેલ એ ઈરાદાપૂર્વક કેમિકલ્સ યુક્ત દારૂ પીવડાવતા મોત થયાનું ખુલવા પામતા પોલીસે મુકેશ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે આ ઘટનાને લઈને ફરી એકવાર લઠ્ઠાકાંડ ચર્ચાના એરણે ચડ્યો છે..
