હિંમતનગરમાં પોલીસ અને આર્મીના જવાન વચ્ચે થયેલ ઘર્ષણ બાદ ઉગ્ર વિરોધ
વિરોધ દરમિયાન પોલીસ ચોકીમાં તોડફોડ
અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી.
હિંમતનગરમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાના વિરોધમાં ભૂતપૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ એક થઈને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હિંમતનગરમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ હિંમતનગર-ઈડર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાને કારણે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવા પડ્યા. ઘટનાના વિરોધમાં સોમવારે પૂર્વ સૈનિકો અને સ્થાનિકો એકત્રિત થયા. તેઓએ સહકારી જીન વિસ્તારમાંથી રેલી કાઢીને પોલીસવડાની કચેરી પાસેથી પસાર થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ત્યાં તેમણે આવેદનપત્ર આપીને સંબંધિત પોલીસ કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. આર્મી જવાનના સમર્થકોએ પ્રથમ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી હતી. ત્યારબાદ મોતીપુરા વિસ્તારમાં એકત્રિત થયેલા ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. તેમણે મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીની તોડફોડ કરી નાખી. ત્યારબાદ, તેઓ ફરીથી પોલીસવડાની કચેરી સામે પહોંચ્યા અને હિંમતનગર-ઈડર હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો.
ગયા અઠવાડિયે, તલોદ તાલુકાના પોયડા ગામના આર્મી જવાન યશપાલસિંહ ઝાલા પોતાની કારમાં હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રાફિક પોલીસ જવાન હિતેન્દ્રસિંહે તેમની કાર પર લગાડેલી બ્લેક ફિલ્મ અંગે દસ્તાવેજો માંગ્યા હતા. આર્મી જવાન દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં ન આવતા અને ઉદ્ધત વર્તન કરતા, પોલીસ જવાન દ્વારા તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં આર્મી જવાનને ઈજા થતાં તેમને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
