સુરતમાં અસલી પોલીસને પડકાર આપતી નકલી પોલીસ
નકલી પોલીસને ડુમસ પોલીસે ઝડપી પાડી
નવરાત્રીમાં ગરબા આયોજનમાં પીએસઆઈ બની ગયેલા નકલી પોલીસને ડુમસ પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ડુમસના વાયપીડી ડોમ ખાતે ચાલી રહેલા નવરાત્રિ આયોજનમાં ઝોન-7ના ડીસીપી શેફાલી બરવાલની સતર્કતાના કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો હતો. યુવક પોતાની ઓળખ પીએસઆઈ યુવરાજસિંહ રાઠોડ તરીકે આપી રહ્યો હતો અને હાથમાં ખરાબ વોકીટોકી રાખીને ફરતો હતો. ડીસીપીએ પૂછપરછ અને તપાસ કરતાં યુવકની પોલ ખુલી ગઈ હતી. યુવરાજ નારૂ રાઠોડ હીરાના વેપારીનો પુત્ર નીકળ્યો હતો. તો પોલીસના જણાવ્યા મુજબ યુવરાજ છેલ્લા બે દિવસથી આ રીતે લોકોને છેતરીને વીઆઈપી એન્ટ્રી મેળવી રહ્યો હતો. તો આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માત્ર પોલીસ બળ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની સતર્કતા પણ કેટલી મહત્વની છે.
