સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પાસે ધમાચકડી
યુવકે ઝાડ પર ચડી જઈને ભારે ધમાચકડી મચાવી
હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને સેફ્ટી નેટની મદદથી યુવકનું રેસ્ક્યુ
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પાસે રોડ પર આજે એક યુવકે ઝાડ પર ચડી જઈને ભારે ધમાચકડી મચાવી હતી. યુવકને ઝાડ પર ચડેલો જોઈ લોકોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આખરે ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને સેફ્ટી નેટની મદદથી યુવકનું રેસ્ક્યુ કરી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
બનાવની વિગત મુજબ, મજૂરા ગેટ વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ નજીક અચાનક એક યુવક ઉંચા ઝાડ પર ચડી ગયો હતો. યુવકને ઝાડની ડાળીઓ પર જોખમી રીતે બેઠેલો જોઈ રાહદારીઓ ઉભા રહી ગયા હતા. યુવક નીચે કૂદી જશે તેવી બીકને કારણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવક જો નીચે પડે તો તેને ઈજા ન થાય તે માટે સૌથી પહેલા ઝાડની નીચે સેફ્ટી નેટ પાથરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવકની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ફાયરના જવાનોએ યુવકને નીચે ઉતરવા માટે સમજાવ્યો હતો, પરંતુ તે ટસનો મસ થયો નહોતો યુવકનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડાયો આખરે ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ યુવકને પકડી પાડ્યો હતો અને પ્લેટફોર્મ દ્વારા સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યો હતો. યુવક માનસિક રીતે અસ્થિર હોવાની આશંકા સેવાઈ રહી છે. રેસ્ક્યુ કર્યા બાદ તુરંત જ પોલીસ કાફલાએ યુવકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. યુવક કોણ છે અને કયા કારણોસર ઝાડ પર ચડ્યો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
