દાહોદમા મનરેગા કૌભાંડનો મામલો
મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોએ આગોતરા જામીન અરજી પાછી ખેંચી
ડીઆરડીએ નિયામક દ્રારા 71 કરોડના કામોમાં ગેરરીતિની નોંધાવી ફરિયાદ
દેવગઢબારીયા અને ધાનપુર તાલુકા માં 71 કરોડ રૂપિયા ચૂકવાયા હતા
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વર્ષ 2021થી 2025 દરમિયાન 71 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીના પ્રાથમિક અહેવાલ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે દાહોદ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
કૌભાંડમાં દેવગઢ બારિયાના કુવા અને રેઢાણા ગામો તેમજ ધાનપુરના સીમામોઈ ગામે અધૂરી કામગીરીને પૂર્ણ બતાવી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આ મામલે 35 એજન્સીઓના પ્રોપ્રાઇટર્સ, મનરેગા શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દેવગઢ બારિયાના ટેક્નિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલની ધરપકડ કરી છે. કોર્ટે તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અગાઉ ચાર કર્મચારીઓની ધરપકડ થઈ હતી. તેમાં મનરેગા શાખાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી, એકાઉન્ટન્ટ મહિપાલસિંહ ચૌહાણ, ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારિયા અને મંગળસિંહ પટેલિયાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની તપાસમાં અધૂરા કામો અને બિનપાત્ર એજન્સીઓને કરાયેલા પેમેન્ટની વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ કૌભાંડથી દાહોદ જિલ્લામાં ભારે હલચલ મચી છે અને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
