સુરતમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ દંપતી, ₹13 લાખ પડાવ્યા
મુંબઈ પોલીસના નામે ડિજિટલ અરેસ્ટ, ₹13 લાખની ઠગાઈ
ડિજિટલ અરેસ્ટ કેસમાં દિલ્હીથી આરોપી ઝડપાયો
સુરતમાં ફરી એકવાર ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મુંબઈ પોલીસ, સીબીઆઈ અને આરબીઆઈના નામે બોગસ દસ્તાવેજો મોકલી દંપતીને પાંચ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું અને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવી લેવાયા હતાં. આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી એક આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરતના દંપતી સાથે સાયબર ઠગોએ એવો ખેલ રચ્યો કે પાંચ દિવસ સુધી તેઓ ડિજિટલ અરેસ્ટના ભયમાં રહ્યા હતાં. આરોપીઓએ ફોન અને વીડિયો કોલ કરીને દંપતીના નામે સીમકાર્ડ લેવાયું હોવાનું અને કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલી મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહાર થયો હોવાનું જણાવ્યું હતું. મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, સીબીઆઈ, ફાઇનાન્સિયલ ડિપાર્ટમેન્ટ, આરબીઆઈ અને સુપ્રીમ કોર્ટના નામે બોગસ આઈડી અને લેટરો મોકલી, મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં સંડોવણી હોવાનું કહી ધરપકડ વોરંટની ધમકી આપવામાં આવી હતાં. ત્યારબાદ પાંચ દિવસ સુધી દંપતીને ડિજિટલ અરેસ્ટ રાખીને બેંકમાં રહેલા રૂપિયા વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. અને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 13 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતાં. આ ગુનાની તપાસમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરીને દિલ્હીમાંથી એક આરોપી અફાક આલમ આફતાબ અંસારીને ઝડપી પાડ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ આરોપી અફાક આલમએ પોતાની ફર્મના નામે યશ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટ 3 લાખ રૂપિયાના કમિશન પર નાસતા ફરતા આરોપીને આપ્યું હતું. આ ખાતામાં થોડા જ સમયમાં 1 કરોડ 5 લાખ 37 હજાર 721 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે.
