સુરત ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ જમીનમાં વિવાદ
પોલીસ દ્વારા વૃદ્ધા અને તેમના પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાયા
અસામાજિક તત્વોએ વૃદ્ધાના ઘરે કબ્જો કર્યો
સુરત ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ જમીનના વિવાદ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો હોવા છતા પોલીસ દ્વારા વૃદ્ધા અને તેમના પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાયા બાદ અસામાજિક તત્વોએ વૃદ્ધાના ઘરે કબ્જો કર્યો હતો જે સીસીટીવીમાં કેદ થયા છે. ત્યારે પોલીસ હવે વૃદ્ધા અને તેમના પરિવારજનોને પરત તેમના ઘરે મુકી આવે તેવી માંગ કરાઈ રહી છે.
સુરતમાં એક તરફ પોલીસ કમિશનર લોકો સાથે સેતુ બાંધવા પોલીસને સુચન કરી રહ્યા છે ત્યારે જ સુરતની ઉત્રાણ પોલીસની વિવાદિત કામગીરી સામે આવી છે. વાત એમ છે કે બિલ્ડર તેમજ જમીન મલિકોને લાભ અપાવવા ઉત્રાણ પોલીસે વૃદ્ધાને બેઘર કરી દીધા હોવાના આક્ષેપો કરાયા છે. વૃદ્ધાએ આક્ષેપ કરતા કહ્યુ હતું કે 100 નંબર પર કોલ આવ્યો હતો કહી વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી ઉત્રાણ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો બીજી તરફ તેમના ઘર પર 8 થી 10 જેલા અસામાજિક તત્વોએ કબ્જો કરી લીધો હતો.
હાલ બંને પક્ષોએ ઉતરાણ પોલીસ મથકમાં અરજીઓ કરી છે. બે પક્ષ વચ્ચે 2019 થી જમીન નો વિવાદ ચાલી રહ્યો છે. કબજો કરનારાઓ પણ કબૂલી રહ્યા છે કે ત્રણ દિવસ પહેલા તેમને વૃદ્ધાના ઘર પર માણસો બેસાડ્યા હતાં. તો વૃદ્ધા દ્વારા એક જ માગણી કરવામાં આવી રહી છે કે જે રીતે પોલીસ અમને લઈ ગઈ તે રીતે રક્ષણ સાથે અમને અમારા ઘરે મૂકી જાય. સાથે એમ પણ કહ્યુ હતું કે કોર્ટની મેટરમાં પોલીસ શા માટે ભુમિકા ભજવે છે તેવા સવાલો કર્યા હતાં. પોલીસ વૃદ્ધાને ઘરની અંદરથી પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાના વિડિયો પુરાવા પણ સામે આવ્યા છે. ત્યારે શું પોલીસ હવે વૃદ્ધાને તેમના ઘરે મૂકવા જશે? તેવા સવાલો ઉભા થયા છે. તો સાથે સુરત પોલીસ કમિશનરની ગેરહાજરીમાં ઉત્રાણ પોલીસ શા માટે કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવાનું કામ કરી રહી છે તેવા સવાલો શહેરમાં ચર્ચામાં છે.