દારુબંધી વચ્ચે મોરબીના આંદરણામાં શિક્ષક બન્યા છાકટા.
ચાલુ શાળામાં શિક્ષક દારૂ પિતા હોવાની ફરિયાદ નોંધાઈ.
પોલીસ આવે તે પહેલાં નશામાં ધૂત શિક્ષક ફરાર.
મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને નશાની હાલતમાં ભણાવતો ઝડપાયો છે. આ ઘટનામાં ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ પણ મળી આવી હતી. મોરબી તાલુકા પોલીસે શિક્ષક રાજુભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના મોરબી – હળવદ હાઈવે પર આવેલા આંદરણા ગામની સરકારી શાળામાં બની હતી. શિક્ષક રાજુભાઈ પરમાર ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે તેઓ નશાની હાલતમાં હોવાની જાણ ગામના નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ અને મહિલા સરપંચના પતિ નીતેશભાઈ ચાવડાને થઈ હતી. માહિતી મળતા જ અનિલભાઈ અને નીતેશભાઈ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, શિક્ષક રાજુભાઈ પરમાર ક્લાસરૂમમાં હાજર ન હતા, પરંતુ ક્લાસરૂમમાંથી એક પ્લાસ્ટિક બેગમાંથી દારૂની અડધી ભરેલી બોટલ અને પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરેલું મળી આવ્યું હતું.અનિલભાઈ અને નીતેશભાઈએ શાળાના જુદા જુદા રૂમમાં રાજુભાઈ પરમારને શોધ્યા, જ્યાં તેઓ ઓફિસમાંથી નશાની હાલતમાં મળી આવ્યા હતા. આ ગંભીર ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે રાજુભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શિક્ષકની નિર્લજ્જતાની હદ ત્યારે વટાવી ગઈ જ્યારે તેમણે વિદ્યાર્થીઓ સામે પડકાર ફેંક્યો હતો. આરોપ છે કે શિક્ષક રાજુભાઈએ વિદ્યાર્થીઓને ધમકાવતા કહ્યું હતું કે, “કોઈપણ અધિકારી તપાસમાં આવે, હું તો દારૂ પીવાનો જ છું.” એક આદર્શ ગણાતા શિક્ષકના આવા નિવેદનથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે શિક્ષણના પાઠ શીખવે તે જ શરમજનક કરતૂત કરે તે કેટલું યોગ્ય કેહવાઈ ? લોકો સવાલો કરી રહ્યા છે કે આવા શિક્ષકો પાસેથી શું આપક્ષા રખાઈ ? જેથી દારુડિયા શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
