સુરતમાં 14 મી જાન્યુઆરીના રોજ બીઆરટીએસ બસ સેવા બંધ
વાસી ઉતરાયણે પણ બસ સેવામાં 70 ટકાનો કાપ
પાલિકાએ “સેફ્ટી ફર્સ્ટ” એપ્રોચ અપનાવ્યો
ઉત્તરાયણ પર્વને લઈ સુરત મહાનગર પાલિકા દ્વારા 14 મી જાન્યુઆરીના રોજ બીઆરટીએસ બસ સેવા બંધ રાખનાર હોય સાથે બીજા દિવસે વાસી ઉતરાયણે પણ બસ સેવામાં 70 ટકાનો કાપ મુકાતા લાખો મુસાફરો પ્રભાવીત થશે.
સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 બીઆરટીએસ બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આ આકરા પગલાં લીધા છે. બીજી તરફ, સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શિડ્યુલના માત્ર 30 ટકા ક્ષમતા સાથે જ દોડશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસના ટ્રેક પર દોડી આવતા હોય છે. પતંગ મહોત્સવના દિવસે લોકો અગાશી પર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે પાલિકાએ આ “સેફ્ટી ફર્સ્ટ” એપ્રોચ અપનાવ્યો છે. વાસી ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી ૧૫મી જાન્યુઆરીએ બીઆરટીએસ ને માત્ર 30 ટકા અને સીટી બસને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે.
