સુરતના વરાછા ત્રિકમનગર રાધાકૃષ્ણ મંદિર રોડ ખાતે રબારી પરિવારનો હુમલો
ફાસ્ટફૂડ કાઉન્ટર પાસે ટ્રાફિક સર્જાતું હોવાથી બોલાચાલીનો વિવાદ
વરાછા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી કરી
સુરતના વરાછા ત્રિકમનગર રાધાકૃષ્ણ મંદિર રોડ ખાતે ફાસ્ટફૂડ કાઉન્ટર પાસે ટ્રાફિક સર્જાતું હોવાથી બે દિવસ અગાઉ રબારી પરિવારની મહિલા અને પુત્રએ સાથે મળી રેસ્ટોરન્ટના માલિક સાથે ઝઘડો થયો હતો જો કે તાત્કાલિક સમાધાન થયું હતું ત્યારે તે ઝઘડાની અદાવતમાં ગઈકાલે રબારી પરિવારે રેસ્ટોરન્ટના માલિક સાથે ફરી ઝઘડો કરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા આ મામલે વરાછા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રબારી પરીવારની મહિલાની ધરપકડ કરી છે.
સુરતના કતારગામ કોઝવે રોડ ઉપર રહેતા ૪૫ વર્ષીય ભરતભાઈ જવેરભાઇ ચકલાસીયા વરાછા ત્રિકમનગર રાધાકૃષ્ણ મંદીર રોડ ખાતે ગણેશ ફાસ્ટફુડ નામની રેસ્ટોરન્ટ ધરાવે છે.બે દિવસ અગાઉ તેમની રેસ્ટોરન્ટનું ફાસ્ટફૂડનું કાઉન્ટર બહાર રાખેલું હતું ત્યારે ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જેને લઇ નજીકની ટાગોર કોલોનીમાં રહેતા વૈભવ રબારી અને તેની માતા કૈલાશબેન કારમાં જતા હોય ઠપકો આપતા ઝઘડો થયો હતો. તે સમયે તેમની વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પરંતુ ગત દિવસે સવારે ૧૦.૩૦ વાગ્યે વૈભવ તેની માતા અને પિતા દિનેશભાઈ ત્યાં આવ્યા હતા અને ફરી ઝઘડો કર્યો હતો. તે દરમિયાન વૈભવે ભરતભાઈ ઉપર હુમલો કરી તેમને છરાના ઉપરાછાપરી ઘા ઝીંકતા તેમને ગંભીર ઈજા થઈ હતી. ભરતભાઈને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બનાવની જાણ થતા વરાછા પોલીસે દીનેશભાઈ સગરામભાઈ રબારી તેમના પત્ની કૈલાશબેન અને પુત્ર વૈભવ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી કૈલાશબેન દિનેશભાઈ ખટાણાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.