દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ
મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડ એરેસ્ટ, ભાઈ કિરણ ફરાર,
અમિત ચાવડાએ કહ્યું-સીએમ મંત્રીથી જ ઓપરેશન ગંગાજળ શરૂ કરે
દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે.
થોડા દિવસ અગાઉ ડીઆરડી નિયામક દ્વારા 35 એજન્સી સામે રૂપિયા 71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. એ મામલે આજે પોલીસે બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. જ્યારે કિરણ ખાબડની શોધખોળ ચાલુ છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યૂું કે, દાહોદમાં જો તટસ્થ તપાસ થશે તો મોટાં માથા પકડાશે અને 100 નહીં 200 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવશે. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, સરકાર ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી કરે છે. પરંતુ શરૂઆત એમના મંત્રીઓથી જ કરે.
મનરેગાના વર્ષ 2021થી 2025 વચ્ચે થયેલાં કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલામાં જુદી જુદી 35 એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ હતી, જેમાં દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી