સુરત સિવિલથી વધુ એક અંગદાન
નવી સિવિલ હોસ્પિટલમાં 66મુ અંગદાન કરાયુ
45 વર્ષીય બ્રેઈનડેડ ધનકીબેન રાઠોડનું લીવર અને બે કિડનીનું દાન
ત્રણને લોકોને નવજીવન મળ્યું
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઉમદા પહેલ થઈ હોય તેમ બ્રેઈનડેડ મહિલાના અંગોથી ત્રણને નવજીવન મળ્યુ છે. નવી સિવિલ હોસ્પિટલમાં 66મુ અંગદાન કરાયુ છે જેમાં નવસારીના જલાલપોરના રાઠોડ પરિવારની 45 વર્ષીય બ્રેઈનડેડ ધનકીબેન રાઠોડના લીવર અને બે કિડનીનું દાન કરાયુ હતું.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 66 મું સફળ અંગદાન થયું છે. નવસારી જિલ્લાના જલાલપોરના મોટીમેલણ ફળિયા ખાતે રહેતા રાઠોડ પરિવારના બ્રેઈનડેડ મહિલાના બે કિડની અને એક લીવર દાન થતા ત્રણ જરૂરિયાતમંદ નવજીવન મળશે. નવસારી જિલ્લાના જલાલપોરના મોટીમેલણ ફળિયા ખાતે રહેતા 45 વર્ષીય ધનકીબેન છનાભાઇ રાઠોડ એક મહિના પહેલા ખેતી મંજૂરી કરતી વેળાએ પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈંજા પહોંચી હતી. માથાના ભાગે ઈંજા પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીયત સ્વસ્થ થવાથી ડિસ્ચાર્જ કર્યા હતા. આ અકસ્માતમાં માથાના ભાગે ઈજા થવાથી થોડા દિવસ બાદ ફરી ગભરામણ અનુભવતા નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. ધનકીબેનની હાલત વધુ ગંભીર જણાતા ગત તારીખ 10મી જૂને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીયત લથડતા આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સઘન સારવાર બાદ તારીખ 12મીએ મોડી રાત્રે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. જેથી રાઠોડ પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પતિ છનાભાઇ ચુનાભાઈ રાઠોડે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. તો સ્વ. ધનકીબેનને જાગુબેન, શારદાબેન, વનિતાબેન એમ ત્રણ દીકરીઓ તથા ભુલાભાઈ પુત્ર છે. આજે શુક્રવારે બ્રેઈનડેડ સ્વ.ધનકીબેનના લીવર અને બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
