સુરતની અડાજણ પોલીસની પ્રસંશનીય કામગીરી
પોલીસે ગુમ થયેલા બાળકને શોધી પરિવારને સોપ્યો
પાલનપુર જકાતનાકા પાસે બાળક માતાથી વિખૂટું પડી ગયુ હતું
સુરત પોલીસ લોકો માટે કામ કરતી હોવાના અનેક પુરાવા સામે આવી ચુક્યા છે ત્યારે ઝારખંડથી ધંધાર્થે સુરત આવેલા મંડલ પરિવારના ગુમ થયેલા પાંચ વર્ષના બાળકને શોધી અડાજણ પોલીસે પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું.
માતા-પિતાથી વિખૂટા પડેલા પાંચ વર્ષના બાળકનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે. પાલનપુર જકાતનાકા પાસે માતા સાથે કરિયાણાની ખરીદતી વખતે બાળક પોતાની માતાથી વિખૂટું પડી ગયુ હતું. ત્યારે એક હ્યુમન સોર્સ અને ભાષાના આધારે ગણતરીની મિનિટોમાં જ બાળકના પરિવારની ભાળ મેળવવામાં સફળ રહી હતી. વાત એમ છે કે, મૂળ વતન ઝારખંડનો મંડલ પરિવાર એક મહિના પહેલા ધંધાર્થે સુરતમાં આવી હાલ અડાજણ વિસ્તારમાં ચા ની લારી ચલાવે છે અને અડાજણના સરિતા ડેરી પાસે, એસએમસી આવાસમાં રહે છે. આ પરિવારનો પાંચ વર્ષનો પુત્ર અનમોલ માતા સાથે પાલનપુર જકાતનાકા પાસેની સરોજિની નાયડુ શાકમાર્કેટમાં કરિયાણાની ખરીદી દરમિયાન માતાથી વિખૂટો પડી ગયો હતો, ત્યારે એક જાગૃત્ત રાહદારીના ધ્યાને આવતા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર જાણ કરી હતી. ત્યાથી અડાજણ પીસીઆર વાનને જાણ થતા ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ દેવજીભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ પરાગભાઈ ત્વરિત ઘટના સ્થળે પહોંચી પાંચ વર્ષના અનમોલને લઈ અડાજણ પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં. અડાજણ પી.આઈએ બાળક ભયભીત ન જાય તે માટે લાગણી સાથે કાલીઘેલી ભાષામાં વાર્તા કહી હતી. બાળકના માતા-પિતા ન આવે ત્યાં સુધી તેને ખુશ રાખવા વાર્તાલાપ કરીને બાળકને હસતું રમતું રાખ્યું હતું. બાળક પ્રત્યે મા, માટી અને માનુષ જેવી વાત્સલ્યની લાગણીઓ વરસાવી હતી. બાળકના માતાપિતાને શોધવા માટે ઝોન-પના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ અને મદદનીશ પોલીસ કમિશનર ડી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઈન્સ્પેક્ટર પી.જે. સોલંકી દ્વારા પોસ્ટ વિસ્તારમાં પોલીસની ડીસ્ટાફ તેમજ શી ટીમ અને ચાર સર્વેલન્સ ટીમો તપાસમાં લાગી હતી. નજીકના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા. હ્યુમન સોર્સ અને ભાષાના આધારે તેમજ એક રાહદારી મહિલાની મદદથી ગણતરીની મિનિટોમાં જ બાળકના પરિવારને શોધી કાઢ્યો હતો. અડાજણ પીઆઈ પી.જે.સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બાળક ગુમ થઈ જાય, ત્યારે બાળક ભયભીત, અસુરક્ષિત અને એકલવાયું અનુભવતો હોય છે. માતા પિતા માટે બાળક ગુમ થવું એ જીવિત અવસ્થામાં મોત જેવો દુ:ખદ અનુભવ છે. તેમ છતાં તેઓ આશા રાખે છે, પ્રાર્થના કરે છે દોડે છે, શોધે છે. બાળક ગુમ થાય ત્યારે માતાપિતાની આંખો પોલીસ સામે આશાની મીટ માંડીને જોતી હોય છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ પરમારે કહ્યું હતું કે, બાળકના માતાને શોધીને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું ત્યારે ક્ષણ ખૂબ લાગણીભરી હતી. માતાની આંખમાં આનંદના દરિયો છલકાયો હોય તેવો અનુભવ થયો હતો. પી.આઈ પી.જે. સોલંકીએ નાના અનમોલને સહજભાવે વાત કરી, ચોકલેટ, બિસ્કીટ, દૂધ આપી આત્મીયતા કેળવી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા બાળકીનું વેરિફિકેશન બાદ માતા-પિતાને સહી સલામત સુપરત કરી હતી.