કેશોદના સોંદરડામાં રત્નકલાકારે કર્યો આપઘાત
હીરાની કંપનીના માલિક વરુણ લાખાણી પર માનસિક ત્રાસનો આક્ષેપ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામે એક કર્મચારીએ ઝેરી દવા પી આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે મૃતકના પરિવારજનોએ સુરતની હીરા કંપનીના માલિક પર સતત માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામે મૃતક પ્રવિણભાઈ વાછાણી મૂળ માળિયા તાલુકાના જુથળ ગામના રહેવાસી હતા અને છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નનસાડા ગામે રહેતા હતા. તેઓ છેલ્લા 32 વર્ષથી સુરતની એક હીરા કંપનીમાં નોકરી કરતા હતા. પરિવારના આક્ષેપ મુજબ, કંપનીના માલિક વરૂણભાઈ બાબુભાઈ લાખાણી દ્વારા પ્રવિણભાઈને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમના પર પાવડર સહિત અન્ય સામાનની ચોરીના ખોટા આક્ષેપ કરવામાં આવતા હતા તેમજ નોકરીમાંથી કાઢી મૂકવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. મૃતકના પરિવારજનોએ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી છે. પોલીસ હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની તપાસ કરી રહી છે.
આ સતત ચાલતા માનસિક ત્રાસથી કંટાળી પ્રવિણભાઈએ કેશોદ તાલુકાના સોંદરડા ગામે તેમના સસરાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને મૃતકના પુત્ર પ્રિન્સ વાછાણીએ કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સુરતના હીરા ઉદ્યોગપતિ વરૂણભાઈ બાબુભાઈ લાખાણી વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
