અમદાવાદ શાહીબાગમાં અકસ્માત કરનાર બૂટલેગર પિતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડ
મોંઘીદાટ કાર વડે નિર્દોષ એક્ટિવા ચાલકને ટક્કર મારીને જીવ લીઘો હતો.
અમદાવાદના શાહીબાગમાં બૂટલેગરના સગીર વયના પૌત્રે પૂરપાટ ઝડપે કાર ચલાવી ગઇકાલે નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અકસ્માત કરનાર સગીરનો પહેલો અકસ્માત નથી, અગાઉ પણ તેણે 15 વર્ષની ઉંમરે અકસ્માત કરી એક વ્યક્તિનો જીવ લીધો હતો.
અમદાવાદના શાહીબાગના સરદાર પટેલ સ્મારક પાસેથી ગઈકાલે સવારે અસારવામાં રહેતા 43 વર્ષીય મહેન્દ્રભાઈ દીકરાને સ્કૂલે મૂકીને એક્ટિવા પર જઈ રહ્યા હતા. એ દરમિયાન અસારવાના કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના 17 વર્ષના સગીર પૌત્રએ પૂરઝડપે ફોર્ચ્યુનર ગાડીથી ટક્કર મારતાં મહેન્દ્રભાઈ એક્ટિવા સાથે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી રિક્ષા અને ડિવાઈડર સાથે અથડાયા હતા, જેમાં તેમના માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર જ તેમનું મોત થયું હતું. બનાવ અંગે એફ ડિવિઝન ટ્રાફિક-પોલીસે સગીર અને તેના પિતા સામે તપાસ શરૂ કરી છે. સગીરના અકસ્માત બાદ ગઈકાલે ગાડીમાં બેસીને હથિયાર બતાવતો હોય એવો વીડિયો સામે આવ્યો હતો. એ બાદ સગીરના અન્ય વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આ સગીર 200ની સ્પીડે ગાડી ચલાવતો હોય એમ દેખાય છે. આ ઉપરાંત ચાર-પાંચ ગાડીઓના કાફલા સાથે સ્ટંટ કરતો તથા ગાડીમાંથી ઊભાં ઊભાં હાથમાં બે બંદૂક લઈને ફાયરિંગ કરતો હોય એવો પણ વીડિયો સામે આવ્યો છે. આ બધામાં એક ચોંકાવનારો વીડિયો એ પણ છે કે એમાં આ સગીર નંબર વગરની AUDI લઇ પોલીસ સ્ટેશનમાંથી નીકળી રહ્યો છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સગીરે વર્ષ 2022માં પણ જ્યારે તેની ઉંમર 15 વર્ષ કરતાં પણ ઓછી હતી ત્યારે પણ આજ પ્રમાણે ગાડી ચલાવી અકસ્માત કરી નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો, એટલે કે સગીરે છેલ્લાં ત્રણ વર્ષમાં લાઇસન્સ ન હોવા છતાં ગાડી ચલાવી બે નિર્દોષ લોકોના જીવ લીધા છે. સગીરના દાદા કિશોરસિંહ રાઠોડ અને તેના પિતા દિલીપસિંહ રાઠોડ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બંને સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
