ઉકાઈ સાઈ મંદિરમાં 15 મો પાટોત્સવ સાલગીરા ઉજવાઈ
ભક્તોએ ફૂલવર્ષા કરી “સાઈ રામ”ના જયઘોષ કર્યા
પાવન અવસરે સાઈબાબાની ભવ્ય પાલખી કાઢવામાં આવી
ઉકાઈ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત સાઈ મંદિરમાં 15 મા પાટોત્સવ સાલગીરાની ઉજવણી ભક્તિભાવ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં કરવામાં આવી. આ પાવન અવસરે સાઈબાબાની ભવ્ય પાલખી કાઢવામાં આવી હતી, જે ઉકાઈના વિવિધ વિસ્તારોમાં ફરતી રહી. પાલખી યાત્રા દરમિયાન ભક્તોએ ફૂલવર્ષા કરી “સાઈ રામ”ના જયઘોષ સાથે સાઈબાબાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
સાંજના સમયે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 7000 થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહાપ્રસાદ દરમિયાન વ્યવસ્થાઓ સુચારૂ અને શિસ્તબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવી હતી.ઉકાઈ વિસ્તારમાં આવેલું આ સાઈ મંદિર અત્યંત મહત્વપૂર્ણ અને શ્રદ્ધાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં નિયમિત રીતે દુરદુરથી ભક્તો દર્શન માટે આવે છે અને પાટોત્સવ જેવા પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં સાઈભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. આ સમગ્ર પાટોત્સવનું આયોજન સાઈ મંદિર ટ્રસ્ટ તથા સેવાભાવી કાર્યકરોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કાર્યક્રમ અંતે ભક્તોએ સાઈબાબાની કૃપા સૌ પર વરસે તેવી પ્રાર્થના કરી હતી.
