સુરતના રાજેન્દ્ર માળી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા
અમરોલીમાંથી હત્યાના ત્રણ આરોપીઓને ઝડપી પડાયા
ગાડી ચલાવવા બાબતે થયેલી બોલાચાલીનો લીધો બદલો
સમાધાનના બહાને યુવકને બોલાવી કર્યો જીવલેણ હુમલો
ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી કરાઈ હત્યા
દિવાળીના તહેવાર દરમિયાન અશ્વિનીકુમાર વિસ્તારમાં બની હતી ઘટના
સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન થયેલી રાજેન્દ્ર માળીની ચકચારી હત્યા કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અમરોલીમાંથી ત્રણ હત્યારાઓને ઝડપી પાડયા હતાં. તો ગાડી ચલાવવા બાબતે થયેલી બોલાચાલીનો બદલો લેવા સમાધાનના બહાને બોલાવી યુવક પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે.
દિવાળીના તહેવાર દરમિયાન સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. 10 નવેમ્બર 2026ના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં અટલજી નગર સ્થિત શનિદેવ મંદિર પાછળની બીજી શેરીના નાકે રાજેન્દ્ર માળી પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી હત્યા કરાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 8 નવેમ્બરના રોજ ગાડી ચલાવવા બાબતે થયેલી બોલાચાલીનો બદલો લેવા આરોપીઓએ સમાધાન કરવાની અને માફી માંગવાની વાત કરી રાજેન્દ્ર માળી તથા ફરિયાદીને બોલાવ્યા હતા. ત્યારબાદ બોલાચાલી અને ઝપાઝપી કરી ચપ્પુ જેવા હથિયારોથી હુમલો કરી રાજેન્દ્ર માળીની હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. ઘટના સ્થળની મુલાકાત, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના એન્ટી ઓર્ગેનાઈઝ્ડ અને નાસતા ફરતા સ્ક્વોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ત્રણ મુખ્ય હત્યારા રાજુ રામકિશોર સરોજ, રમેશ સુભાષ બિંદ અને સાહીલ પપ્પુ સોનકરને ઝડપી પાડ્યા હતાં. જ્યારે રાહુલ ગુપ્તા નામનો હત્યારો ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
