ગાંધી જયંતીએ તાપીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’
વ્યારા જૂના બસ સ્ટેશન ખાતે કલેક્ટર દેવ ચૌધરી સહિત પદાધિકારીઓનું શ્રમદાન
મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વ્યારા ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને અધિકારીઓને સંબોધતા કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધીજીના વિચારો અને મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારીને સ્વચ્છતા જાળવવી તેમજ અન્ય લોકોને પણ એ માટે પ્રેરીત કરવા એ જ બાપુને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વચ્છતા એ માત્ર એક ઝુંબેશ નથી પરંતુ આપણી સૌની સામૂહિક નૈતિક જવાબદારી છે.” સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તે દિશામાં તાપી જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને જિલ્લાને સ્વચ્છ તથા સુંદર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણ કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યું છે.પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ, કલેક્ટર દેવ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ, નાયબ કલેક્ટર તેજલ પટેલ, વ્યારા નગરપાલિકાના પ્રમુખ ડૉ. પ્રિયા પટેલ, ચીફ ઓફિસર વંદનાબેન ડોબરિયા, મામલતદાર મનીષભાઈ ભોય સહિતના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકોએ વ્યારા જૂના બસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં જાતે ઝાડૂ પકડીને સામૂહિક સફાઈ કરી હતી. આ શ્રમદાન દ્વારા જાહેર સ્થળોની સફાઈ પ્રત્યે નાગરિકોની જવાબદારી વધારવા અને સ્વચ્છતા અભિયાનમાં લોકભાગીદારી સુનિશ્ચિત કરવાનો એક સબળ સંદેશ આપવામાં આવ્યો હતો.
