ધોળકાના બદરખા ગામમાં એક મહિના બાદ પણ પાણીનો ભરાવો યથાવત
કાચા મકાનો અને ઝૂંપડાં પાણીમાં ગરકાવ
દર્દીઓને જીવના જોખમે પાણી પાર કરાવાય છે
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામમાં છેલ્લા 1 મહિનાથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘરવખરી પલળી જતાં 17 પરિવારોને શાળામાં આશ્રય લેવો પડ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામમાં તંત્રની અણઆવડત અને બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી ગામમાં વરસાદી પાણી ભરાયેલા હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગામના મુખ્ય વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકોનું દૈનિક જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. સતત પાણી ભરાયેલા રહેવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. ભારે વરસાદ અને લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. જેના કારણે ઘરવખરી સંપૂર્ણપણે પલળી ગઈ છે અને લોકોની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું છે. અનેક ઘરોમાં રહેવું અશક્ય બની જતાં 17 પરિવારો પોતાના ઘર છોડીને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય લેવા મજબૂર બન્યા હતા. સુરક્ષિત સ્થળે પહોંચ્યા બાદ પણ આ પરિવારોને પૂરતી સુવિધાઓ મળી રહી નથી.
ગામમાં ગ્રામપંચાયત કચેરી, સરકારી હોસ્પિટલ, ડેરી તેમજ પ્રાથમિક શાળા સહિતના મુખ્ય વિસ્તારોમાં કમર સુધી વરસાદી પાણી ભરાયેલા છે. રસ્તાઓ પર પાણી જ પાણી હોવાથી લોકો માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી પાણી ભરાયેલા હોવા છતાં અસરકારક ડ્રેનેજ અથવા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ગામલોકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ વિસ્તારના ધારાસભ્ય, પ્રાંત અધિકારી અથવા મામલતદાર સહિત કોઈ પણ જવાબદાર અધિકારી હજુ સુધી ગામની મુલાકાત લેવા પહોંચ્યા નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
