સુરત સાયબર ક્રાઈમની ટીમે જમતારા ગેંગનો પર્દાફાશ કર્યો
બોગસ એપીકે ફાઇલથી સાયબર ફ્રોડ
નાણાકીય વ્યવહારો સંભાળતા એક સાગરીતની ધરપકડ કરી
સુરત સાયબર ક્રાઈમની ટીમે આરટીઓ ઈ ચલાણના નામે મોકલાતી બોગસ એપીકે ફાઇલથી સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી જમતારા ગેંગના નાણાકીય વ્યવહારો સંભાળતા એક સાગરીતની ધરપકડ કરી છે.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વોટ્સએપ પર મોકલવામાં આવેલી બનાવટી આરટીઓ ઈ ચલાણ એપીકે ડાઉનલોડ કરાવ્યા બાદ મોબાઇલ હેક કરી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા. આ કેસમાં ફરિયાદીના પુત્રના બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 5 લાખ 2 હજાર 562 રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમે ટેકનિકલ તપાસ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે ઝારખંડના ગિરિડીહ જિલ્લાના રહેવાસી સીતારામ મંડલની અમદાવાદ સાબરમતી જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સાયબર ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમાં મેળવી કમિશન કાપીને બાકીની રકમ જમતારા ગેંગના સાગરીતો સુધી પહોંચાડતો હતો. આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે.
