સુરતમાં પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજ
વ્યાજ સહાય, લોન અને મનપાના વેરામાં એક વર્ષની મુક્તિ
અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકોને કેશ ડોલ
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે. રોકડ સહાયથી લઈને વ્યાજ સહાય, લોન અને મનપાના વેરામાં એક વર્ષની મુક્તિ સહિત અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.
સુરતમાં પૂરના કારણે નુકસાન ભોગવનારા વેપારીઓને ફરીથી વ્યવસાય શરૂ કરવામાં સહાય મળે તે માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ નુકસાનના આધારે 7,500થી લઈને 1 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે. ઉપરાંત વેપારીઓને ફરી ઉભા થવા માટે 30 લાખ સુધીની લોન અને તેના પર વ્યાજ સહાય પણ આપવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે સહાય માટેના ફોર્મ આગામી બે દિવસમાં સ્વીકારવાનું શરૂ થશે, જેથી અસરગ્રસ્ત વેપારીઓને ઝડપથી લાભ મળી શકે. પૂરના પાણીથી અસરગ્રસ્ત મકાનો અને દુકાનોને એક વર્ષ માટે મનપાના વેરામાંથી મુક્તિ આપવાનો પણ મહત્વનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત પેકેજ માત્ર સુરત પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકોને કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવામાં આવી છે અને બાકીના લાભાર્થીઓને પણ ઝડપથી સહાય પહોંચાડવાની કામગીરી ચાલુ છે.
