બનાસકાંઠાના પાલનપુરમાં આશા વર્કરોનો વિરોધ
4 મહિનાથી ઈન્સેન્ટિવ અને વળતર ન ચૂકવાતા રોષ
જિલ્લા પંચાયત બાદ કલેક્ટર કચેરીએ કરી રજૂઆત
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લા પંચાયતના બગીચામાં મોટી સંખ્યામાં આશા વર્કરો એકત્રિત થઈ રેલી યોજી હતી. અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી તેમના ઇન્સેન્ટિવની રકમ ચૂકવવામાં આવી નથી, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. બાકી રહેલા ઇન્સેન્ટિવની તાત્કાલિક ચૂકવણી તેમજ યોગ્ય વેતન વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ સાથે તેમણે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આશા વર્કરોના જણાવ્યા મુજબ છેલ્લા બે દાયકાથી તેઓ પોલિયો સહિતના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. દેશને પોલિયો મુક્ત બનાવવા માં પણ આશા વર્કરોનું નોંધપાત્ર યોગદાન રહ્યું હોવા છતાં આજે પણ તેમને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતનનો લાભ મળતો નથી. વધતી મોંઘવારી વચ્ચે લાંબા સમય સુધી કામગીરી કરવા છતાં મળતું મહેનતાણું અત્યંત ઓછું હોવાનું તેમણે જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન આશા વર્કરોએ ચેતવણી આપી હતી. કે જો તેમની માંગણીઓનો ત્વરિત નિકાલ કરવામાં નહીં આવે તો આગામી પોલિયો અભિયાનની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ રાજ્યવ્યાપી હડતાલનું આંદોલન શરૂ કરવામાં આવશે. આશા વર્કરોની આ ચીમકી બાદ આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
