સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત
અલથાણ વિસ્તારમાં યુવકની હત્યાની ઘટનાએ ચકચાર મચી
પત્નીની છેડતીનો રોષ રાખી પતિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો
સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ અલથાણ વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટનાએ ચકચાર મચી છે. પત્નીની છેડતીનો રોષ રાખી પતિએ યુવક પર જીવલેણ હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં રાહુલ રાજપૂત નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રાહુલ રાજપૂત આરોપીની પત્નીની છેડતી કરતો હોવાનો આરોપ હતો. આ અંગે પત્નીએ પોતાના પતિ રાજીવને જાણ કરી હતી. પત્ની પાસેથી માહિતી મળતા જ આરોપી રાજીવ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ગુસ્સે ભરાયેલા રાજીવએ સિમેન્ટના પતરાથી રાહુલ રાજપૂત પર હુમલો કર્યો હતો. હુમલામાં રાહુલ રાજપૂતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી રાજીવની ધરપકડ કરી છે. અલથાણ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં સતત બની રહેલી હત્યાની ઘટનાઓને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી સવાલો ઉભા થયા છે
