અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતના વાહન ચાલકો માટે સમાચાર
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ
અંકલેશ્વરના પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટની કામગીરી શરૂ
મુંબઈ અને દિલ્હીને જોડતા નિર્માણાધીન નેશનલ એક્સપ્રેસ-વે પર ભરૂચના પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બનાવવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્થળ પર પહોંચી ચાલુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 104 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
સામાન્ય રીતે NHAI ના નિયમ મુજબ, એક્સપ્રેસ હાઈવે પર બે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ વચ્ચે ઓછામાં ઓછું 25 કિલોમીટરનું અંતર હોવું અનિવાર્ય છે. ભરૂચના દહેગામ પાસે અગાઉથી જ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ કાર્યરત હોવાથી, નિયમ મુજબ પુનગામ પાસે નવો પોઈન્ટ મળવો મુશ્કેલ હતો. જોકે, સ્થાનિક ઉદ્યોગો અને વાહનચાલકોની જરૂરિયાતને ધ્યાને રાખીને મંત્રી ઈશ્વરસિંહ પટેલે સરકારમાં રજૂઆત કરી હતી. પરિણામે, NHAI દ્વારા વિશેષ કિસ્સામાં દહેગામથી માત્ર 10 કિલોમીટરના અંતરે પુનગામ ખાતે આ પોઈન્ટને મંજૂરી આપવામાં આવી છે. એશિયાની સૌથી મોટી જીઆઈડીસી પૈકીની એક એવી અંકલેશ્વર GIDC અને પાનોલીના ઉદ્યોગો સીધા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડાઈ જશે, જેનાથી માલસામાનની હેરફેર ઝડપી બનશે. હાંસોટ, ઓલપાડ અને સુરત તરફ જતા વાહનચાલકોને હવે લાંબો ફેરો નહીં ખાવો પડે અને સમય તથા ઇંધણની બચત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પુનગામ પાસે કામચલાઉ ધોરણે માર્ગ ખુલ્લો કરાયા બાદ કિમ સુધીનો હાઈવે શરૂ થતા તે બંધ કરવામાં આવ્યો હતો, જે હવે કાયમી ધોરણે સુવિધા સજ્જ બનશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
