વલસાડ ઓધવ ભવન ખાતે ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ
પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય શ્રી ઓધવ ભવનનું લોકાર્પણ કરાયું.
વલસાડમાં કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા નિર્મિત ‘શ્રી ઓધવ ભવન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ સદગુરુ ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવના અવસરે યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા કેસરી ગુલાલ અને પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી.
વલસાડમાં કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા નિર્મિત ‘શ્રી ઓધવ ભવન’ના લોકાર્પણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા ભાનુશાલી સમાજની ‘ગુપ્ત દાન’ની પરંપરાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, આટલા વિશાળ ભવનના નિર્માણમાં કરોડોનું દાન આવ્યું હોવા છતાં ક્યાંય દાતાઓની તકતી જોવા મળતી નથી, જે દર્શાવે છે કે સમાજે પ્રાચીન દાન પરંપરાને સાર્થક કરી છે. તેમણે વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રનો ઉલ્લેખ કરી સામાજિક સમરસતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા 9 સંકલ્પોની યાદ અપાવી. તેમણે પાણી બચાવવું, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓને જીવનમાં ઉતારી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી.
આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ, પ્રભારી મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ભાનુશાલી સમાજની દેશભક્તિ અને ખુમારીની પ્રશંસા કરી. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
