ભાવનગર ફાયરિંગ કેસમાં 6 આરોપી ઝડપાયા,
ઘટના સ્થળે આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન
ભાવનગર શહેરમાં ગઈકાલે બનેલી ફાયરિંગની ચકચારી ઘટનામાં પોલીસે કુલ આઠમાંથી છ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આજે તેમને ઘટના સ્થળે લઈ જઈને રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
બે દિવસ અગાઉ મધરાત્રે શહેરના મયુર લોડિંગ પાસે જૂની અદાવતને કારણે ઝાહિદ ફારૂક લોંડિયા નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ તલવાર, ધોકા અને રિવોલ્વર જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ફાયરિંગ હવામાં અને બીજું સીધું ઝાહિદને નિશાન બનાવી કરવામાં આવ્યું હતું.જોકે સદ નસીબે જાહિદ બચી ગયો હતો અને મિસ ફાયર થયું હતું. આ ઘટનાથી પહેલા પણ આશરે દસ દિવસ અગાઉ ઝાહિદના મિત્રોને લઈને વિવાદ થયો હતો અને તે સમયે પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ જૂની અદાવતને પગલે ફરીથી આ ટોપ ઓફ ટાઉન ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ગઈકાલે સવારે સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આઠમાંથી છ આરોપીઓને ઝડપી પાડ્યા છે.આજરોજ પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમની પુનઃસ્થાપના કરી તપાસ આગળ વધારી શકાય. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગ કરનારાઓ ભાવનગરની કુખ્યાત વલ્લી હારી ગેંગ સાથે જોડાયેલા છે, જેના કારણે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે ફરાર મુખ્ય આરોપી વલ્લી અને તેના ભાઈને ઝડપી પાડવા માટે તજવીજ તેજ કરી છે..
