નવસારીમાં મહિલાઓને રોજગારી આપવા રાખડી મેળાનું આયોજન
મહાનગરપાલિકા દ્વારા રાખડી મેળાનું આયોજન
રક્ષાબંધન ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના પ્રતિક તરીકે તેહવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નવસારીમાં મહિલાઓને રોજગારી આપવાના હેતુસર નવસારી મહાનગરપાલિકા દ્વારા રાખડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
નવસારી મહાનગરપાલિકાના તથા દિન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત UCD વિભાગ તથા ‘ઉડાન સખી સંઘ’ ના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણને વેગ આપવા ‘રાખી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાખડીનું વેચાણ કરતી મહિલાઓને એક નિઃશુલ્ક પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશયથી મહાનગરપાલિકા પટાંગણમાં રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સંબંધિત ચીજ વસ્તુઓ જેવી કે રાખડી સાથે અન્ય વસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરતી મહિલાઓ તેમજ મહિલા સંગઠનોને સીધે સીધુ બજાર મળી રહે તે હેતુથી નવસારી મહાનગરપાલિકા પટાંગણમાં સ્ટોલ ઉભા કરી આપી વેપાર કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ રાખી મેળામાં ૨૮ રાખી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અને આગામી તારીખ ૨૬ ઓગસ્ટ સુધી રાખી મેળાનું આયોજન છે.
સખીમંડળ દ્વારા ભેગા થઈને ભારતીય કલાનો વારસો તેમજ હસ્તકળાની મહેકને ફેલાવી રહી છે. આ જાતે બનાવેલી રાખડી માર્કેટમાં મળતી રાખડીઓ કરતાં વિશેષ લાગણી સાથે બનાવવામાં આવતી હોય છે. બજારોમાં ડાયમંડવાળી, ફેન્સી રાખડી તેમજ લૂમ્બા રાખડી જેવી વિવિધ પ્રકારની રાખડીઓની સાથે સાથે બાળકો માટે રાખડીઓ જોવા મળી રહી છે. આ વેચાણથી મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. શહેરીજનોને એક છત નીચે વિવિધ વેરાઈટી વાળી રાખડીઓ સાથે અન્ય વસ્તુઓ પણ મળી રહે તેવા શુભ આશયથી નવસારી મહાનગરપાલિકાએ સખી મંડળોને વ્યાપાર કરવા માટેના પ્લેટફોર્મ ઉભું કરી આપ્યું છે.
