અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા નાગરિકો પાણીમાં ફસાયા
ફીફાદ ગામે ખાનગી બસમાં સવાર છ મુસાફરો પાણીમાં ફસાયા
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ અને વિકટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર ૨૪ નાગરિકો પાણીમાં ફસાયા હતા.
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા અને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના પીપાવાવ કોસ્ટ ગાર્ડ અને પીપાવાવ કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા ત્રણ બોટમાં આ લોકોને રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામે ભારે વરસાદની સ્થિતિના પગલે પાણી ભરાયા હતા. પીપાવાવ અને વિકટર ગામની બાજુ પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાનો કાચો માર્ગ પાણીથી તરબોળ થયો હતો, આવી સ્થિતિમાં આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ પીપાવાવ કોસ્ટ ગાર્ડને જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા.
સાવરકુંડલાના ફીફાદ ગામે ખાનગી બસમાં સવાર છ મુસાફરો પાણીમાં ફસાયા હતા તેની જાણ સાવરકુંડલા પ્રાંત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને થતાં સમગ્ર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્થળ પર ફસાયેલા મુસાફરો સુધી પહોંચવા વહીવટી તંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરવા માટે અમરેલી જિલ્લાના માર્ગની સાથોસાથ ભાવનગર જિલ્લાના ગારિયાધારના માર્ગ તરફથી પણ રેસ્કયુ કામગીરી શરુ કરવામાં આવી હતી. છ પૈકીના એક મુસાફર ઝાડ પર ચડી ગયો હતો, આ એક મુસાફરને રેસ્ક્યુ કરવા અમરેલી જિલ્લા કલેકટરએ ફાયર ટીમને સૂચના આપી હતી. ફાયર ટીમની બોટ દ્વારા બાકી રહેલા આ એક મુસાફરને રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરી હતી, તેથી આ મુસાફરને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા….અશોક મણવર અમરેલી