દિલ્હીથી સુરત આવી મોબાઈલ ચોરી કરતા બે આરોપીઓને ઝડપ્યા
લસકાણા પોલીસ સ્ટાફે ચતુરાઈપૂર્વક કાર્યવાહી કરી
પોલીસે તેમની પાસેથી કુલ 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા
સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટાફે ચતુરાઈપૂર્વક કાર્યવાહી કરીને દિલ્હીથી સુરત આવી મોબાઈલ ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ વિવિધ વિસ્તારોમાં રાહદારીઓને ચકમો આપી મોબાઈલ ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓ દિલ્હીમાંથી ખાસ સુરતમાં ચોરીના ઈરાદે આવ્યા હતા. તેઓ અહીંના એક હોટલમાં રોકાયા બાદ ભાડે ગાડી લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં રાહદારીઓને નિશાન બનાવી રહ્યા હતા. તેમની ચોરી કરવાની રીત પણ એકદમ નવીન હતી. આરોપીઓ પ્રથમ રાહદારીઓને કાળા કલરના કાચના ટુકડાવાળું કવર આપતા અને કોઈને ફોન કરવા બહાનાબાજી કરતા. ત્યારબાદ લોકો પોતાનો મોબાઈલ કાઢતા, ત્યારે ચતુરાઈથી ફોન છીનવી ફરાર થઈ જતા. લસકાણા પોલીસને મળેલી ગુપ્ત જાણકારીના આધારે, પોલીસએ સમયસર કાર્યવાહી કરી બંને આરોપીઓને પકડ્યા હતા, જે દિલ્હી ભાગવા માટે રવાના થવાના હતા. પોલીસે તેમના પાસેથી 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લસકાણા પોલીસે સોનું નુર મોહમ્મદ મલિક અને સમદ આસમોહમ્મદ મલિકની ધરપકડ કરી છે.