વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસામાં 3 લોકોના મોત.
હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષાદળની તૈનાતી.
મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, હુગલી અને માલદા જિલ્લામાં વિરોધ પ્રદર્શન
તારીખ 12 એપ્રિલએ શનિવારના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, હુગલી અને માલદા જિલ્લામાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. વાહનોને આગ ચાંપી દેવામાં આવી, દુકાનો-ઘરોમાં તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. 138 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શનિવારે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકાર દ્રારા લાગુ કરાયેલા વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. જેને પગલે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 1600 સૈનિકો તૈનાત કર્યા છે. લગભગ 300 BSF સૈનિકો છે. કુલ 21 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે. કલમ 144 પણ અમલમાં છે. વક્ફ કાયદાના વિરોધમાં રાજ્યમાં 10 એપ્રિલથી હિંસા ચાલુ છે. હિંસામાં માર્યા ગયેલા લોકોમાં ધુલિયાણના પિતા-પુત્રની જોડીનો પણ સમાવેશ થાય છે. હિંસક ટોળાએ હરગોવિંદ દાસ (પિતા) અને ચંદન દાસ (પુત્ર)ને માર મારીને મારી નાખ્યા. તે બંને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા. શુક્રવારે ત્રીજા યુવકને ગોળી વાગવાથી ઇજા થઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં વકફ કાયદો લાગુ કરવામાં આવશે નહીં. આ કાયદો કેન્દ્ર દ્વારા બનાવવામાં આવ્યો છે, તેથી તમારે જે પણ જવાબ જોઈએ તે કેન્દ્ર પાસેથી માંગવો જોઈએ. મારી અપીલ છે કે શાંત રહો. દરેક વ્યક્તિનો જીવ કિંમતી છે, રાજકારણ માટે રમખાણો ભડકાવો નહીં.
પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની અને હિંસાની NIA તપાસની માંગણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ સૌમેન સેનની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું- જે અહેવાલો બહાર આવ્યા છે તેના પર અમે આંખ આડા કાન કરી શકીએ નહીં. આમાં, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બર્બરતા દેખાય છે. મુર્શિદાબાદ સિવાય જ્યાં પણ હિંસા દેખાય ત્યાં કેન્દ્રીય સુરક્ષા દળ તૈનાત કરવા જોઈએ…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી