પાતળા લોકોને વહેલું મોત આવવાનું જોખમ ત્રણ ગણું વધારે
વધારે BMI પણ હંમેશા જોખમી નથી: અભ્યાસનો ચોંકાવનારો ખુલાસો
સામાન્ય રીતે 18.5 થી 24.9 સુધીના બીએમઆઈ ને યોગ્ય માનવામાં આવે છે. પરંતુ, ડેનમાર્કમાં 85,000 થી વધુ લોકો પર થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારા તારણો મળ્યા. આ અભ્યાસ મુજબ, જે લોકોનો બીએમઆઈ 18.5 થી ઓછો છે, તેમને વહેલું મૃત્યુ થવાનું જોખમ ત્રણ ગણું વધારે છે. આ જોખમ 22.5 થી 24.9 વચ્ચેનો બીએમઆઈ ધરાવતા લોકોની સરખામણીએ ઘણું વધારે છે. આથી, ફક્ત બીએમઆઈ પર આધાર રાખવો પૂરતો નથી. ડેન્માર્કમાં કરવામાં આવેલાં આ અભ્યાસમાં જણાયું છે કે જેમનો બોડીમાસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઈ 25થી 35 હોય તેમના પર જાનનું જોખમ વધારે નથી. જેમનો બીએમઆઈ 40થી વધારે હોય તેમને જ મોતનું જોખમ બે ગણું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમનું વજન થોડું વધારે હોય તેમણે પોતાની જાનને જોખમ છે એમ માની ન લેવું.
પાતળા હોવું પણ જીવલેણ બની શકે છે નોંધપાત્ર બાબત એ છે કે આ સંશોધનના તારણો સામાન્ય સમજને પડકારે છે. સામાન્ય સમજ એવી છે કે પાતળાં હોવું તંદુરસ્તીની નિશાની છે જ્યારે જાડિયાપણું જોખમી હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે બહું પાતળાં લોકોમાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. કોઇ ગંભીર બિમારીની સારવાર જેમ કે કેન્સરની કિમોથેરેપીમાં વજન ઘટે ત્યારે શરીરને ચરબીની જરૂર હોય છે. પાતળાં લોકોમાં ચરબી ન હોવાથી તેમના શરીર નબળાં પડી જાય છે અને તેમના અંગો બરાબર કામ કરી શકતાં નથી. આ કારણે પાતળાં હોવું પણ જીવલેણ પુરવાર થઇ શકે છે. BMI દરેક માટે યોગ્ય માપદંડ નથી: સંશોધનમાં નવો ખુલાસો
સંશોધકોનું કહેવું છે કે BMIએ ઉંચાઇ અને વજન પર આધારિત એક ગણતરી માત્ર છે. BMI એ દરેક વ્યક્તિ માટે એક ચોક્કસ માપદંડ બની શકે નહીં. ડેનિશ સંશોધકોના જણાવ્યા અનુસાર હવે 22.5થી 30 સુધીનો BMI સલામત માની શકાય. બીજા શબ્દોમાં કહીએ તો થોડું વજન વધારે હોય તો તે નુકસાનકારક નથી. આ સંશોધનનો સંદેશ એ છે કે બહું પાતળાં હોવું ખતરનાક નીવડી શકે છે. જ્યારે વજન થોડું વધારે હોય તો તે જીવલેણ નથી.
