સુરતના વરાછામાં રહેતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરી
ફ્લેટમાં ચોરી કરવા ઘુસેલો ચોર સીસીટીવીમાં કેદ
પલંગ પર બેસી આરામથી ચોરી કરતો નજરે પડ્યો
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરી કરવા ઘુસેલો ચોર સીસીટીવીમાં કેદ થતા પોલીસે ઝડપી પાડ્યો હતો. ફ્લેટના ખુણેખુણે લાગેલા સીસીટીવીમાં ચોરની હરકતો પણ કેદ થઈ હતી. જેમાં પલંગ પર બેસી આરામથી ચોરી કરતો નજરે પડ્યો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની ઘટના બની હતી. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણેખૂણામાં, છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હશે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે. ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી હતી. પલંગ પર બેસીને આરામથી ચોરી કરી હતી. જે ચોરીની ઘટના બેડરૂમના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરી કર્યાબાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડયું હતુ અને ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને પોલ ખોલી હતી. તો ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8:00 વાગ્યે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. અને તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતાં અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી પોલીસે સવારે 11:00 વાગ્યા સુધીમાં તો આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
