સુરતમાં ક્રિકેટમાં અમ્પાયરને દડો વાગતા જ મોત મળ્યું
પ્રાથમીક રીપોર્ટમાં મોત હેમરેજના કારણે હોવાનું સામે આવ્યું
સુરતમાં ઉનાળામાં અલગ અલગ ગ્રાઉન્ડમાં ક્રિકેટનું આયોજન થતાં હોય છે. ત્યારે અબ્રામા ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયરીંગ કરતી વખતે બોલ છાતીમાં વાગ્યા બાદ બેભાન થઈ ગયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમમાં પ્રાથમીક રીપોર્ટમાં તેમનું મોત હેમરેજના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
સુરત જિલ્લાના ઓલપાડના બરબોધનના વતની અને જહાંગીરપુરા રાજગ્રીન એપાર્ટમેન્ટ ખાતે રહેતા 25 વર્ષીય પાર્થ રાજેશભાઈ સુરતી દાંડી રોડ કુકણીગામ ખાતે આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં સ્પોર્ટસ ટીચર તરીકે નોકરી કરતા હતા. તેઓ અવાર નવાર અલગ અલગ ટુર્નામેન્ટમાં અમ્પાયરીંગ કરવા જતા હતા. રવિવારે તેઓ અબ્રામાં ખાતે આવેલા વી.ડી. દેસાઈ ગ્રાઉન્ડમાં આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયરીંગ કરતા હતા. ત્યારે તેમને સિઝન બોલ છાતીના ભાગે વાગ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતાં. પાર્થભાઈ બેભાન થઈ જતા તેમને સીપીઆર આપવામાં આવ્યું હતું પરંતુ તેમ છતા તેઓ ભાનમાં ન આવતા તાત્કાલિક સારવાર માટે રંગોલી ચોકડી પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પાર્થભાઈના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમીક રિપોર્ટમાં બ્રેનહેમરેજ થવાના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેમની આંખોનું દાન કરવાનું હોવાથી તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેમની ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.