મોરબી જિલ્લાના વાંકાનેરમાં અંધશ્રદ્ધાનો પર્દાફાશ
10 વર્ષથી ખોડીયાર-મેલડી માતાના મઢમાં બેઠેલી ભુઈ
ભુઈ હનીફા પઠાણનને વિજ્ઞાન જાથાની ટીમે પકડી પાડી
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં અંધશ્રદ્ધા ફેલાવી લોકોને છેતરતી ભુઈ હનીફાબેન પઠાણનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે સાથે રાખીને કરાયેલી રેડ દરમિયાન, ભુઈ લોકોને રોગ મટાડવાના બહાને પૈસા લેતી હતી. જાથાની કાર્યવાહી બાદ ભુઈએ જાહેરમાં લોકોની માફી માંગી હતી અને આ ધંધો બંધ કરવાની ખાતરી આપી હતી.
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં રહેતી હનીફાબેન પઠાણ છેલ્લા દસ વર્ષથી પોતાના ઘરમાં માતાજીનો મઢ બનાવીને ખોડીયાર માતા અને મેલડી માતાની ભુઈ હોવાનો દાવો કરતી હતી. તે લોકોને બીપી અને ડાયાબિટીસ જેવા રોગો મટાડવાનું કહીને દાણા પીવડાવી ઉપચાર કરતી હતી. આ ઉપરાંત, તે દર્દીઓને તેમની ચાલુ દવાઓ બંધ કરાવી માતાજીમાં શ્રદ્ધા રાખવા માટે કહેતી હતી, જેનાથી લોકોમાં ગંભીર અંધશ્રદ્ધા ફેલાઈ રહી હતી. ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ભોગ બનેલા પરિવારને સાથે રાખીને વાંકાનેરમાં રેડ કરી હતી. આ કાર્યવાહીના પરિણામે, હનીફાબેન પઠાણે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી લોકોની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવા અંધશ્રદ્ધા ફેલાવતા ધંધા બંધ કરવાની ખાતરી આપી હતી.
હનીફાબેન પઠાણ પાસે વાંકાનેર, મોરબી, કુવાડવા, ચોટીલા અને થાન સહિતના વિસ્તારોમાંથી લોકો આવતા હતા. તે રોગ મટાડવા ઉપરાંત સંતાન પ્રાપ્તિ, ઘરકંકાસ દૂર કરવા, લગ્ન સંબંધી ઉકેલ, મેલી વસ્તુ કે છાયા જેવી અંધશ્રદ્ધાળુ વાતો કરીને લોકોને છેતરતી હતી. થાનના એક પરિવારની મહિલાને બીપીની તકલીફ હતી, જેમણે ભુઈના કહેવાથી દવા બંધ કરી દીધી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પીડિત પરિવારે ભારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
