ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું
અલ્પેશ કથીરિયાએ કહ્યું આ ગોંડલ મિર્ઝાપુર છે એ સાબિત થયું
જયરાજસિંહે કહ્યું અણવર ન બનો આગામી ચૂંટણીઓમાં વરરાજા બનીને આવો
ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. જેને લઇને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવીયા આજે ગોંડલની મુલાકાત આવ્યા હતા. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ હતી.
અલ્પેશ કથીરિયાએ ફરી એકવાર ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું હતું. આ સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા. જાડેજા પરિવાર સમર્થકોએ કાળા વાવટા ફરકાવી અલ્પેશ કથીરિયાનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ગોંડલ મિર્ઝાપુર હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે અમે આખો દિવસ ગોંડલમાં રહીશું પરંતુ, તેઓ સવાર 10 વાગે આવ્યા અને સાડા અગિયાર વાગે ગોંડલથી રવાના થઇ ગયા હતા. આ દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
સમગ્ર પરિસ્થિતિને લઇ આજે જયરાજસિંહના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તમે અણવર ન બનો આગામી ચૂંટણીઓમાં વરરાજા બનીને આવજો. આ ગોંડલની જનતા તમને બરાબર જવાબ આપશે. આ લોકોના આવા બકવાસ નિવેદનોથી આવનાર ચૂંટણીમાં ભાજપની મતપેટી છલકાઇ જશે, એમનો ઇરાદો મને ઉશ્કેરવાનો છે, પણ મારી પાસે એવો સમય નથી, જનતા મારી સાથે છે. હવે જનતા ઉશ્કેરાઇ ગઇ છે એટલે જનતાએ એમને જવાબ આપ્યો છે
અલ્પેશ કથિરિયાનો કાફલો જયરાજસિંહના નિવાસસ્થાનેથી પસાર થવાનો હતો તે રૂટ કપુરીયા ચોક, શ્યામ વાળી ચોક થઈને આંબેડકરના ચોકમાં ફેરવવામાં આવ્યો હતો, ધારાસભ્યોના નિવાસસ્થાને કાળા વાવટા અને અલગ અલગ સૂત્રોના બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. જેને લઇ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગોંડલ શહેરમાં આશાપુરા મંદિરે દર્શન કર્યા બાદ અલ્પેશ કથીરિયા જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયા અક્ષર મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં અક્ષર મંદિરની બહાર ગોંડલના શહેરીજનો અને ગ્રામજનો સહિતના લોકો દ્વારા બેનરો સાથે કાળા વાવટા અને અલગ અલગ સૂત્રોના બેનરો ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ વ્યવસ્થામાં એક DySP, 19 PI-PSI સહિત 155 પોલીસકર્મીને તહેનાત કરવામાં આવ્યા છે. રીબડાથી ગોંડલ આશાપુરા ચોકડી અને શહેરના મુખ્ય વિસ્તારોમાં સઘન બંદોબસ્ત ગોઠવાયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી