હોટલ માલિક પાસે રૂપિયા 10 હજારની ખંડણી માંગનાને ઉધના પોલીસે ઝડપી પાડ્યો
પોલીસે આરોપી મહેશ ઉર્ફે રાજા બિહારી રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાને ઝડપી પાડ્યો
આરોપીએ ઉધના વિસ્તારની એક ખાનગી હોટલ માલિક પાસે રૂપિયા 10 હજારની ખંડણી માંગી હતી
સુરતના ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીયલમાં ખાનદેશ નામની વેજ-નોનવેજ હોટલના માલિકને મેરા નામ રાજા બિહારી હે, દેર રાત તક હોટલ ખુલી રખતા હે ઇસલીયે મુજે ૧૦ હજાર રૂપિયા હપ્તા દેના પડેગા એમ કહી ગલ્લામાંથી રૂ. ૪૭૫૦ કાઢી લઈ ઢીકમુક્કીનો માર અને સોડાની બોટલ વડે મોંઢાના ભાગે ઈજા પહોંચાડતા મામલો ઉધના પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે આરોપી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઉધનાના સોનલ ઈન્ડસ્ટ્રીયલના પ્લોટ નં. ૮૭ માં ખાનદેશ નામની વેજ-નોનવેજ હોટલ ચલાવતો રવિન્દ્ર રામા ચૌધરીની હોટલમાં બે દિવસ અગાઉ રાતે માથાભારે યુવાન મહેશ ઉર્ફે રાજા બિહારી રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા આવ્યો હતો. યુવાને રવિન્દ્રના શર્ટનો કોલર પકડી તુ મુજે જાનતા હે, મેરા નામ રાજા બિહારી હે, મુજે ઇસ એરિયા મે સબ જાનતે હે ઔર તુ લંબે સમયસે હોટલ ચલા રહા હે, ઓર દેર રાત તક હોટલ ખુલી રખતા હે, ઇસલીયે મુજે હપ્તા દેના પડેગા તો ચાલુ મહિને કા દસ હજાર રૂપિયા મુજે અભી દે, વરના તેરે કો માર કે કાટ કે ફેંક દુંગા. જો કે રવિન્દ્રએ હપ્તો આપવાની ના પાડતા ગાળાગાળી કરી જબરજસ્તી ગલ્લો ખોલી તેમાંથી રૂ. ૪૭૫૦ કાઢી લઇ ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત કોલ્ડ્રીંકસની બોટલ મારતા આંખ અને કપાળના ભાગે ઈજા થઇ હતી. યુવકે બુમાબુમ કરતા લોકોનું ટોળું ભેગું થઈ જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી ભાગી ગયો હતો.જો કે ઉધના પોલીસે ગુનો નોંધી તાત્કાલિક જ રાજા બિહારી નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.