વડોદરામાં પોતાની દીકરીની ચૌલક્રિયા કરી લંડન જતા નેન્સીબેનનું અવસાન.
અમદાવાદની પ્લેન ક્રેશ ઘટનામાં બે વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી
દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 265 લોકોના મોત નીપજ્યા
ગુરુવારના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ મેઘાણીનગરમાં ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 265 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં બે વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. બાબરીની વિધિ પતાવી લંડન જતી માતાનું અવસાન થયું છે. નાની દીકરી સતત માતા પાસે જવાની જીદ કરી રહી છે.
છોટાઉદેપુરના બોડેલીની દીકરી અને વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી પરાગરજ સોસાયટીમાં રહેતી 31 વર્ષીય નેન્સી ચૈત્રેશ પટેલ કે જેઓ પંદર દિવસ પહેલા જ લંડનથી વડોદરા આવ્યા હતા. તેઓના પતિ લંડનમાં છે અને તેઓને બે વર્ષની દીકરીની બાબરી હોવાથી તેઓ પોતાની સાસરીમાં આવ્યા હતા. નેન્સીબેન દીકરી આન્સીની ચૌલક્રિયા કરી આન્સીને દાદા દાદી પાસે મૂકીને લંડન પરત જતા હતા. આન્સીના પિતા પણ લંડનથી વડોદરા દોડી આવ્યા છે. જ્યારે પરિવારજનો DNA સેમ્પલ આપીને આવ્યા છે. હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. સરકાર DNA રિપોર્ટના આધારે જલ્દી મૃતદેહ સોંપે તેવી માંગ છે.
ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 265 લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે, વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે આ ‘ઉડતું મોત’ ધરતી પર પડ્યું ત્યારે થોડી ક્ષણ તો આસપાસના લોકો કંઈ પણ સમજી શક્યા નહીં. શહેરમાં થયેલા વિમાન અકસ્માત બાદ, દરેક જગ્યાએ ફક્ત પીડા, વેદના, ચીસો અને રુદન જ દેખાઈ રહ્યા છે. કેટલાક પોતાના પ્રિયજનોની શોધમાં દોડી રહ્યા હતા, જ્યારે કેટલાક આશા ગુમાવ્યા પછી રડતા જોવા મળી રહ્યા છે. આંખોમાં માત્ર ઉદાસી જ નહીં પણ લાચારી પણ દેખાઈ રહી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી