સુરત હજીરાના સુવાલી ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિનો ભંડાફોડ
કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં આક્રોશ
સુરતના હજીરા ખાતે આવેલ સુવાલી ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરિતી થતી હોવાની ફરિયાદને લઈ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સ્થળ તપાસ કરાતા કૌભાંડ સામે આવ્યુ હતું જો કે આ અંગે જવાબદાર અધિકારીઓને જાણ કરાઈ હોવા છતા કોઈ કામગીરી કરાઈ ન હોવાનુ જણાવાયુ હતું.
સુરતમાં ફરી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કરાયા છે. વાત છે સુરતના હજીરા વિસ્તારની. હજીરાના સુવાલી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિની ફરિયાદના મળતા રાજગરી ગ્રામ પંચાયતના સભ્ય કિરણભાઈ પટેલે સ્થળ તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યુ હતુ કે સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ સતિષભાઈ જશવંતભાઈ બદમીના નામે છે જેમણે કોઈ પણ જાતની લેખિત બાંહેધરી વિના અન્ય ઈસમને દુકાન ચલાવવા માટે આપી છે અને આ અજાણ્યો ઈસમ રાશન કાર્ડ ધારકો સાથે ખૂબ જ અન્યાય કરે છે અને સરકારમાંથી મળતા અનાજના જથ્થાને સગેવગે કરી કાર્ડધારકોને ખૂબ જ હલકી ગુણવતાનું અને ઓછું અનાજ આપી મોટા પાયે ગેરરીતિ કરે છે તો કોઈ પણ પ્રકારની અનાજ આપ્યાની રસીદ પણ આપતો નથી અને દુકાન પણ પોતાની મરજીથી ખોલે છે. દુકાનની બહાર કોઈ પણ પ્રકારનું કાર્ડ ધારકોને જાણકારી મળે એવું બોર્ડ કે સૂચના લગાવી નથી. દુકાનની બારી ઉપર સેમ્પલ અલગ અને ગ્રાહકોને સેમ્પલ મુજબનું અનાજ પણ આપતો નથી અને રીતસરની દાદાગીરી કરે છે જેને લઈ આ અંગે પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીને ટેલિફોનિક જાણ કરતા એમને દિવાળી પછી જોઈશુ તેવો જવાબ આપી બેજવાબદારી પોતાની છતી કરી હતી. તો અનાજની દુકાનનુ સંચાલન કરનાર વ્યક્તિ ભૂતકાળમાં ઘણીવાર આ કામ માટે કસૂરવાર થયો હોવા છતાં આજદિન સુધી કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી એ પણ એક તપાસનો વિષય છે અને જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખૂબ ગંભીર બેદરકારી સામે આવે તેવી ચર્ચા જોવા મળી હતી.
