સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સ પેડલરો પર પોલીસની મોટી સ્ટ્રાઇક
૨૪ કલાકમાં ૭ ગુના શોધી ૮ આરોપીઓની ધરપકડ
સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટીક્સની બદીને નેસ્તનાબુદ કરવા અને ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી., એલ.સી.બી. તથા તમામ થાણા અમલદારો દ્વારા ‘#IStandStrongAgainstDrugs’ કેમ્પેઇન અંતર્ગત સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સુરત ગ્રામ્ય પોલીસની અલગ-અલગ ટીમોએ ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરીને ગઇકાલ તા. ૦૭/૦૬/૨૦૨૬ ના રોજ ૨૪ કલાક દરમિયાન નાર્કોટીક્સ એક્ટ મુજબના કુલ ૦૭ ગુનાઓ શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખા દ્વારા ૧ કેસ, એલ.સી.બી. શાખા દ્વારા ૧ કેસ તેમજ કામરેજ, કડોદરા જી.આઇ.ડી.સી., પાલોદ, પલસાણા અને ઓલપાડ પોલીસ સ્ટેશન દ્વારા ૧-૧ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. આ અલગ-અલગ દરોડા દરમિયાન કુલ ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ ૩.૦૫ કિલોગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. ૧,૫૦,૫૭૦/- થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. કડોદરા G.I.D.C. પોલીસ સ્ટેશનના પ્રથમ કેસમાં ૧૯ વર્ષીય આરોપી ધોની રાજબિહારી પાઠક (રહે. ધારા પેલેસ, તાતીથૈયા, તા. પલસાણા, જી. સુરત) ને ૦.૨૧૨ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. ૧૦,૫૦૦/- થાય છે. જ્યારે કડોદરા G.I.D.C. પોલીસ સ્ટેશનના બીજા કેસમાં ૫૮ વર્ષીય આરોપી મહેન્દ્રભાઇ બતહન ચૌપાલ (હાલ રહે. ભગુનગર સોસાયટી, કડોદરા, જી. સુરત, મૂળ રહે. મધુબની, બિહાર) ની ધરપકડ કરાઇ છે. તેની પાસેથી ૦.૧૪૮ કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ. ૭,૪૫૦/- મળી આવ્યો છે અને આ આરોપી અગાઉ પણ કડોદરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાયેલ હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ત્રણ આરોપીઓ શશીકાંત અજયકુમાર શાહ ગુપ્તા (ઉંમર ૨૩ વર્ષ, રહે. સાયણ ગામ, મૂળ બિહાર), સુનિલ મહેશસિંહ તોમર (ઉંમર ૨૭ વર્ષ, રહે. સાયણ ગામ, મૂળ મધ્યપ્રદેશ) અને નુતન રાજેન્દ્ર મહંતી (ઉંમર ૨૪ વર્ષ, રહે. સાયણ ગામ, મૂળ ઓરીસ્સા) ને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી સૌથી વધુ ૧.૮૨૭ કિલોગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. ૧,૦૩,૫૨૦/- થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. કામરેજ પોલીસ સ્ટેશનના પ્રથમ કેસમાં મજુરી કામ કરતા ૨૪ વર્ષીય આરોપી અતુલકુમાર પરષોત્તમભાઇ ઉર્ફે સતિષભાઇ વસાવા (રહે. નવીપારડી ગામ, સોની ફળિયું, તા. કામરેજ, જી. સુરત) ને ૦.૨૩૫ કિલોગ્રામ ગાંજા કિંમત રૂ. ૧૧,૭૫૦/- સાથે પકડવામાં આવ્યો છે. તેમજ કામરેજ પોલીસ સ્ટેશનના બીજા કેસમાં મજુરી કરતા ૭૨ વર્ષીય વૃદ્ધ આરોપી ધિરજભાઈ ઇશ્વરભાઈ રાઠોડ (રહે. નગોડગામ, બસ સ્ટેશન ફળિયું, તા. કામરેજ, જી. સુરત) ની ધરપકડ કરીને તેની પાસેથી ૦.૨૪૦ કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ. ૧૨,૦૦૦/- જપ્ત કરાયો છે. પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મજુરી કામ કરતા ૧૯ વર્ષીય શિવમકુમાર નંદુ યાદવ (હાલ રહે. સુર્યાન્સી રેસીડન્સી, પલસાણા ગામ, જી. સુરત, મૂળ રહે. ગોપાલગંજ, બિહાર) ની ૦.૧૨૫ કિલોગ્રામ ગાંજા (કિંમત રૂ. ૫,૨૫૦/-) સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલોદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાંથી ૭૧ વર્ષીય વૃદ્ધ મહિલા આરોપી શાંતાબેન સુમનભાઇ મગનભાઇ વસાવાની વિધવા (રહે. પાલોદ ગામ, ખાંડસરી ફળિયું, તા. માંગરોલ, જી. સુરત) ની ધરપકડ કરીને તેમની પાસેથી ૦.૧૮૦ કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ. ૯,૦૦૦/- શોધી કાઢવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન સુરત ગ્રામ્ય પોલીસની મોટી ઉપલબ્ધિચાલુ વર્ષ ૨૦૨૬ દરમિયાન આજદિન સુધીમાં સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા નાર્કોટીક્સ વિરૂદ્ધ કરવામાં આવેલી કુલ કામગીરીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ ૨૯ ગુનાઓ શોધી કાઢ્યા છે. જેમાં ગાંજાના કુલ ૨૭ કેસમાં ૫૨૩.૧૧૯ કિલોગ્રામ જથ્થો જપ્ત કરી રૂ. ૨,૬૧,૬૩,૧૨૦/- નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. જ્યારે પોષડોડાના ૦૨ કેસમાં ૧૦૩૬.७૭૩ કિલોગ્રામ જથ્થો જપ્ત કરી રૂ. ૧,૫૫,૫૧,૫૯૫ નો મુદ્દામાલ પકડાયો છે. આમ, પોલીસે અત્યાર સુધીમાં કુલ ૧૫૫૯.૮૯૨ કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરી કુલ રૂ. ૪,૧૭,૧૪,૭૧૫ ની કિંમતનો મુદ્દામાલ મેળવી ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે……
